________________
તેમને માટે આવું મારું વર્તન પ્રથમ વાર જ હતું. પછી મારા મનને ખૂબ દુઃખ થયું. મારે ત્યારે મિત્ર ન હતાં. એટલે આવું દુ:ખ ઠાલવવાનું એક જ સ્થાન, ક્ષેત્ર તરીકે ઓરડો અને વ્યક્તિ તરીકે પતિ, મારે માથે આભ તૂટ્યું હોય તેવું દુ:ખ વ્યક્ત થઈ જતું.
તેઓ દુકાનેથી આવ્યા. પિતા-પુત્ર પ્રેમના તંતુથી બંધાયેલા હતા. બંને એકબીજાની નાડ પારખી લેતા. તેઓએ આવીને પિતા સામું જોયું. તેમના મુખ પર અકળામણ હતી. ભાઈએ જાતે જ હકીકત જણાવી : ‘‘ટૂંકમાં આજે સુનંદાએ મને આવો જવાબ આપ્યો’’.
તેઓના જીવનમાં એક મોટો પુણ્ય યોગ હતો કે તેમના હૃદયમાં મારું, પિતાનું, બહેનોનું, નોકરોનું સૌનું સ્થાન સ્નેહભર્યું હતું. છતાં પિતાનો આદર વિશેષ હતો. સૌ જમવા ખાતર જમ્યા. પછી અમે ઓરડામાં ભેગા થયા. નાની વાત હતી પણ એ દિવસે સૌના દિલને ખૂબ ધક્કો પહોંચ્યો.
તેમણે મને હળવેથી પ્રેમસભર કહ્યું : ‘‘તારે ભાઈને સામો જવાબ આપવો જોઈતો ન હતો. મને ખૂબ દુ:ખ થયું છે. આપણે નાના છીએ. કંઈ સાંભળી લેવામાં શું વાંધો પડે ? અને નાજુક તબિયતવાળા ભાઈના મનને ધક્કો પહોંચે તો તેમના આયુષ્યનાં દસ વર્ષ ઓછાં થાય. કેવળ જો આપણે થોડું સહન કરીને ભાઈના મનને શાંતિ આપીએ તો તેમના ઋણનો બદલો વાળી શકીએ. ભાઈ આપણા સુખમાં કેટલા રાજી છે ? આપણે આનંદમાં રહીએ તેવી કાળજી રાખે છે. તારી કુશળતાની પ્રશંસા કરે છે. તારે છેવટે મારા પ્રેમ ખાતર પણ ભાઈને દુઃખ લાગે તેવું કંઈ જ ન કરવું આટલું વચન આપ. મારા તરફથી કંઈ દુઃખ તને નહિ થાય તે મારું કર્તવ્ય.
જોકે મારું મન ઘણું અસ્વસ્થ હતું તે ત્યારે તો શાંત થયું. છતાં મને થયું કોઈને મારા પ્રત્યે કંઈ પ્રેમ જ નથી. જીવોના જીવનમાં આવા સંઘર્ષો થવા એ અણસમજ છે પરંતુ અહંકાર જીવને મૂંઝવે છે ને ?
વાંચનારને લાગશે વાત તો કંઈ મહત્ત્વની ન હતી. નકામા માનસ્વમાનની ગેરસમજ હતી. મારા મનનું સમાધાન થતું ન હતું. મોટા કેમ ન સમજે ? તેમાં વડીલ તો બે જ હતા. બધું મારે જ સહન કરવાનું ? મારી મંગલયાત્રા વિભાગ-૩
૬૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org