________________
૧૯૪૩માં ભાઈનું અવસાન થયું. ૧૯૪૪માં દક્ષાનો જન્મ થયો. તે એક વર્ષની થઈ ત્યારે ૧૯૪૫માં અમે અમારા મિત્ર શ્રી હીરાલાલ ભગવતીના કુટુંબ સાથે કાશમીર ગયાં. ત્યારે અમારે આહારના કેટલાક નિયમ હતા. વળી તેમનાં બે અને અમારાં બે એમ ચાર બાળકોની સગવડ સચવાય એટલે રસોઈયો અને નોકર સાથે લઈ ગયા હતા.
ત્રણેક સપ્તાહ ત્યાં હાઉસ બોટમાં રહ્યાં, અન્યત્ર ફર્યા. તેઓના શોખ પ્રમાણે સારી એવી ખરીદી પણ કરેલી. ત્યારે ત્યાં હાલ જેવી સગવડો ન હતી. અને ઠંડી તો ઘણી જ છતાં યુવાની હતી એટલે સહ્ય હતું. આનંદપૂર્વક સફર થઈ હતી.
કાશ્મીરના સૌંદર્ય ને કારણે પચાસ વર્ષ પહેલાં સૌંદર્યરસિયા શ્રીનગરને સ્વર્ગ કહેતા. અહીંનાં સ્થળો લીલાછમ પ્રદેશને કારણે અતિ રળિયામણા લાગતા. હિમગિરિની હારમાળાનું સૂર્યના તેજમાં ચમકતું સૌંદર્ય ઘડીભર જોવા જેવું જણાતું. જોકે મારી પ્રકૃતિમાં આવાં સ્થળોમાં, બોટમાં ફરવું વિગેરેનો ઘણો રસ ન હતો. તેથી કોઈ વાર દક્ષાને લઈને નિવાસે જ રહેતી. થોડું ગમતું ત્યારે વળી સૌની સાથે સૌંદર્યને જોવામાં આનંદ લેતી.
બજારમાં પણ ઓછું જવાનું બનતું. તેઓ પોતે ઘણું ખરીદીને લાવતા એટલે ખાસ પ્રયોજન રહેતું નહિ. પૂરો એક માસ કુદરતના ખોળે આરામથી અને આનંદથી રહ્યા. પુનઃ જવાનું બન્યું નથી, ઈચ્છયું નથી.
ત્યાર પછી મુંબઈ નિવાસ થયો ત્યારે માળાના જ ભાડૂઆત રમણભાઈ વસુબહેનના કુટુંબ સાથે ૧૯૪૮માં ઉટાકામંડ બાજુ ગયા હતા. ત્યારે પણ રસોઇયા ઘાટીને લઈને ગયા હતા. ત્યાં ફરવા માટે અગાઉથી શેવરોલેટ ગાડીમાં માણસો મોકલ્યા હતા. આહારનો શોખ એટલે ઘણી વસ્તુઓ ગાડીમાં મૂકી હતી. ત્યારે પણ પંદરવીસ દિવસ મજા માણી આનંદથી પાછા ફર્યા.
- ઉટી જતાં વચમાં એકબે સ્થળોની મદ્રાસ-બેંગલોરની યાત્રા ગોઠવી હતી. ત્યાં દેવદર્શનનો લાભ મળ્યો હતો. ખરીદીનો પણ ઘણો લાભ લીધો હતો. આમ તેઓનું માનસ મોજશોખ પ્રત્યે ઝૂકતું. પણ સાથે ધર્મના સંસ્કાર હોવાથી ક્યાંય આહારમાં દૂષણ લાગવા ન દેતા, મુસાફરીમાં પણ તપનો દિવસ આવે તો ઉપવાસ કરી લેતા. આથી કંઈક ભાવનાઓ જળવાતી, યદ્યપિ યુવાનીમાં સંપન્નતા પ્રમાણે જીવન મોજીલું હતું.
મારી મંગલયાત્રા
વિભાગ-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org