________________
કેવળી ભગવંતની વાણી કદીય મિથ્યા હોતી નથી. દત્ત શ્રાવક પોતાનું ભાવી જાણીને અત્યંત હર્ષિત થયો. પોતાના આત્માનું કલ્યાણ ભાવી તીર્થંકર ભગવંત શ્રી પાર્શ્વનાથ પ્રભુના પરિચયથી થશે તે જાણીને તેનું હૈયું પુલકિત બની ગયું.
આમ કેવળી ભગવંતે દર્શાવેલી શ્રીદત્ત શ્રાવકની ભવયાત્રા ઈશ્વર રાજાના અવતાર સુધી ચાલી. શ્રીદત્ત શ્રાવક ભવના ફેરામાં ભ્રમણ કરતાં ઈશ્વર નામે રાજા થયો.
એકવાર ઈશ્વર રાજા કુસુમ ઉદ્યાનમાં ગયો.
ત્યાં કાયોત્સર્ગ સ્થિત શ્રી પાર્શ્વ પ્રભુના દર્શન માત્રથી તેને જાતિ સ્મરણજ્ઞાન થયું. કુકડે અને ઈશ્વરના પોતાના છેલ્લા બે ભવોની સ્મૃતિમાં રાજાએ કુકડેશ્વર પાર્શ્વનાથજીનું મનોરમ્ય બિંબ ભરાવીને ભવ્ય જિનાલય બંધાવ્યું.
મહારાજા ઈશ્વર રોજ ત્યાં સેવા-પૂજા અને ભક્તિ કરવા લાગ્યો, ત્યારથી કુકડેશ્વર પાર્શ્વનાથનું નૂતન તીર્થ નિર્માણ પામ્યું.
ઈશ્વર રાજાએ નિર્માણ કરેલું શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથજીનું મૂળ જિનાલય તો કાળની ગર્તામાં ક્યાંય વિલીન થઈ ગયું. છતાંય શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથનું એક પ્રાચીન જિનાલય આજે પણ છે.
મધ્યપ્રદેશના નીમચની નજદીક આવેલ આ ભવ્ય તીર્થ ૧૦૪૦ વર્ષ જૂનું ગણાય છે. હાલ જે પ્રતિમાજી છે તેના પર વિક્રમ સંવત ૧૬૭૬નો લેખ છે.
આ તીર્થનો જીર્ણોદ્ધાર તાજેતરમાં થયો છે. શ્રી કુકડેશ્વર પાર્શ્વનાથ લોકભાષામાં કૂકડેશ્વર નામથી વધુ જાણીતું છે.
૧૪મા સૈકામાં આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીએ ‘વિવિધ તીર્થ કલ્પ’ નામના ગ્રંથમાં આ તીર્થનો કલ્પ રચ્યો છે.
એ સિવાય અનેક જૈનાચાર્યોએ આ તીર્થનો મહિમા ગાયો છે. સંપર્ક : શ્રી કૂકડેશ્વર પાર્શ્વનાથ શ્વે. જૈન મંદિર, મુ. કૂકડેશ્વર, તાલુકો : મનસા, જીલ્લો - મંદસોર (મધ્યપ્રદેશ).
૨૧
શ્રી ક્લેશ્વર પાર્શ્વનાથ