________________
શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઈ મુકામે શ્રીમાળી વાગામાં શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. અહીંના જિનાલયો પ્રાચીન અને દર્શનીય છે. અહીં જૈનોની વસ્તી વિશાળ છે. ડભોઈ ગામથી પશ્ચિમ દિશામાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું સમાધિમંદિર આવેલું છે. અહીં એક સૂપમાં વિક્રમ સંવત ૧૭૪પના ઉલ્લેખવાળી પૂજ્ય ઉપાધ્યાયજીની ચરણપાદુકા પણ છે. ધર્મશાળા તથા ભોજનશાળાની ઉત્તમ સગવડ છે. અહીંના જ્ઞાનભંડારોમાં પ્રાચીન જૈન સાહિત્યનો વિપુલ ભંડાર છે. ડભોઈ દર્શનીય તીર્થસ્થાન છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ પ્રભુની દેરી છે. આ દેરીમાં શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથની અલૌકિક અને દર્શનીય પ્રતિમાજી બિરાજમાન છે.
ડભોઈના શ્રીમાલી વાળા વિસ્તારમાં પીત પાષાણના, પદ્માસનસ્થ, સપ્તફણાથી અલંકૃત શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ પ્રભુની અલૌકિક પ્રતિમાજી બિરાજમાન છે. પ્રતિમાજીના દર્શન કરતાં ભક્તિભાવનું પવિત્ર ઝરણું હૈયામાં વહેવા લાગે તેવી દિવ્ય પ્રતિમાજી છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૩૩ ઈંચ અને પહોળાઈ ૨૬ ઈંચની છે.
ગુર્જરેશ્વર મહારાજા સિધ્ધરાજ જયસિંહના સમયમાં વસેલી આ નગરી ત્યારે ‘દર્ભાવતી' નામથી ઓળખાતી હતી. રાજા વીરધવલના મંત્રી તેજપાળે ડભોઈ કિલ્લાનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો અને અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય બંધાવ્યાનું મનાય છે. જ્યારે શ્રી પેથડ શાહ શ્રેષ્ઠીએ ૮૪ જિનપ્રસાદો બંધાવ્યા હતા તેમજ તેમણે અહીં શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું જિનાલય બંધાવ્યું હતું.
મહારાજા વિક્રમના તેરમા સૈકામાં થઈ ગયેલા વિશળદેવના સમયમાં શિલ્પી હિરાધરે અહીં કિલ્લો બંધાવ્યો હતો. જે હીરાભાગોળના નામથી
ઓળખાતો હતો. આચાર્ય ભગવંત શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો જન્મ અહીં થયો હતો. અને મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિક્રમ સંવત ૧૭૪૩માં અહીં કાળધર્મ પામ્યા હતા..
શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ
૨૭૩