________________
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ ગુજરાતના ખેડા જીલ્લાના ખંભાત મુકામે શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. આ તીર્થ ખંભાતના માણેકચોકમાં આવેલ છે. માણેકચોકમાં અન્ય સાત ભવ્ય જિનાલયો છે. જેમાં શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના બે જિનાલયો, શ્રી શાંતિનાથજીનું | જિનાલય, શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી ધર્મનાથજી તથા શ્રી મહાવીર સ્વામીનું જિનાલય છે. ખંભાતમાં આવેલા જિનાલયો ભવ્ય અને દર્શનીય છે. - શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
ખંભાતમાં કલા કારીગરીના સર્વોત્કૃષ્ટ નમુનારૂપ, સુંદર અને કલાત્મક પરિકરથી પરિવૃત શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી દિવ્યતાના તેજ પ્રસરાવે છે. શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ, સપ્તફણાથી અલંકૃત છે. પ્રતિમાજી છ ઈંચ ઊંચી અને પાંચ ઈંચ પહોળી છે.
ખંભાતના જ્ઞાન ભંડારો આજે પણ સુરક્ષિત છે. ખંભાતમાં પ્રાચીન જિનાલયોની સાથે અહીં અનેક ઐતિહાસિક ઘટનાઓ બનવા પામી છે. જેમકે વિક્રમ સંવત ૧૨૭૭માં મહામાત્ય વસ્તુ પાળની દંડનાયક તરીકેની વરણી આ સ્થળે થઈ હતી. ઉદયન મંત્રી એ અહીં ઉદયનવસહી નામનો જિન પ્રાસાદ બંધાવ્યો હતો. શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથના અન્ય મંદિરો ક્યાંય નથી. વિક્રમ સંવત ૨૦૦૧ ના માગશર સુદ – ૧૦ ના શનિવારે આચાર્ય ભગવંત શ્રી નેમિસુરિશ્વરજી મહારાજના વરદ હસ્તે ગૃહમંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. અનેક આચાર્ય ભગવંતો તથા કવિઓએ ખંભાતના જિનાલયોનો પોતાની પ્રાચીન રચનાઓમાં ઉલ્લેખ કર્યો .
શ્રી રત્નચિંતામણિ પાર્શ્વનાથ
૨૮૦