________________
SINFI
વર્તમાન ચોવીસીના વીશમા તીર્થકર ભગવંત શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનમાં રામચંદ્રજી રાવણ પાસેથી સીતાજીને પાછા મેળવવા વિશાળ સેના સાથે સમુદ્ર કિનારે પડાવ નાખીને રહ્યાં હતા. રામચંદ્રજીને વિરાટ સમુદ્ર કઈ રીતે ઓળંગવો તેની ચિંતા કોરી ખાતી હતી, ત્યારે રામ-લક્ષ્મણે નજીકના વિસ્તારમાં એક ભવ્ય જિનાલય જોયું. જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની અલૌકિક પ્રતિમા જોઈને રામ-લક્ષ્મણ આનંદ વિભોર બની ઉઠ્યા. બન્નેએ સેવા-પૂજા અને પ્રભુની એક ચિત્તે ભક્તિ કરી. ત્યાં નાગરાજ પ્રત્યક્ષ થયા. તેણે પ્રભાવકારી પ્રતિમાજીનો ભવ્ય ઈતિહાસ બન્નેને કહી સંભળાવ્યો. રામ અને લક્ષ્મણ બન્ને પુનઃ શ્રી પાર્શ્વનાથ પ્રભુને હૈયાના અનેરા ભાવથી વંદન કરીને જિનાલયની બહાર નીકળ્યા ત્યાં તેઓને સમુદ્ર સ્થંભિત થઈ ગયાના સમાચાર મળ્યા. પરમાત્માના આ પ્રત્યક્ષ પ્રભાવથી રામ-લક્ષ્મણને અતિ હર્ષ થયો. એ વખતે રામચંદ્રજીએ આ પરમાત્માને ‘શ્રી સ્થંભન પાર્શ્વનાથ' થી બિરદાવ્યા. સૌએ શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવની ઉજવણી કરી.
સમયનો પ્રવાહ વહેતો રહ્યો. નવમા વાસુદેવ શ્રી કૃષ્ણ મહારાજા સમુદ્ર કિનારે છાવણી નાખીને કેટલાક દિવસો માટે રહ્યાં હતા, ત્યારે ત્યાં તેમણે એક જિનાલયમાં નીલમરત્નની અને સુમનોહર જિનપ્રતિમાજી જોઈ, એ વખતે નાગકુમારો પ્રભુ સમક્ષ ભક્તિનૃત્ય કરતાં હતાં. નાગકુમારોએ શ્રીકૃષ્ણને જોયા અને તેમણે શ્રીકૃષ્ણને પ્રતિમાજીનો ગૌરવવંતો ઈતિહાસ કહી સંભળાવ્યો. શ્રીકૃષ્ણ મહારાજાની આગ્રહભરી વિનંતીથી નાગકુમારોએ આ દિવ્ય પ્રતિમાજી દ્વારિકા લઈ જવા માટે હા ભણી. દ્વારિકામાં આ પ્રતિમાજીને સુવર્ણ અને રત્નોથી જડિત જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી. વર્ષો વીતતાં ગયા. એક દિવસ દ્વારિકા નાગરી કુદરતના કોપનો ભોગ બની ત્યારે અધિષ્ઠાયક દેવની સૂચનાથી એક સુશ્રાવકે આ પ્રતિમાજીને સમુદ્રમાં પધરાવી. દ્વારિકા નગરી કુદરતી પ્રકોપમાં નાશ પામી, પરંતુ પ્રતિમાજી સાગરમાં સુરક્ષિત રહી. સાગરની અંદર તક્ષક નામના નાગેન્દ્રદેવે આ પ્રતિમાજીની એંસી હજાર વર્ષ સુધી પૂજા-સ્તુતિ અને ભક્તિ કરી. એ પછી વરુણદેવે આ પ્રતિમાજીની ભક્તિ કરવા માંડી. વરુણદેવે ચાર હજાર વર્ષ સુધી આ પ્રતિમાજીની સેવા-પૂજા કરી.
શ્રી સ્થંભન પાર્શ્વનાથ