________________
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધોતા-સકલાણા ખાતે શ્રી ડોસલા , ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થધામ આવેલું છે. તે ઉપરાંત અમદાવાદમાં કીકાભટ્ટની પોળમાં પણ શ્રી ડોહલા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આ તીર્થ પાલનપુરથી નજીક છે. ધોતા-સકલાણા ગામ નાનું છે છતાં શ્રી ડોસલા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ચમત્કારિક અને દર્શનીય છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ભવ્ય જિનાલયની ફરતી ભમતીમાં આવેલ પચાસમી દેવકુલિકામાં શ્રી ડોહલાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
ધોતા - સકલાણા ગામમાં આવેલા જિનાલયમાં શ્રી ડોસલા પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજમાન છે. શ્વેત પાષાણની, પદ્માસનસ્થ અને ફણારહિત આ પ્રતિમાજીની ઊંચાઈ ૨૩ ઈંચ અને પહોળાઈ ૧૮ ઈંચની છે. કે આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયની છે. આ પ્રતિમાજી શ્રી દોહ્યલા પાર્શ્વનાથથી પણ ઓળખાય છે. એવી સંભાવના હશે કે આ પ્રતિમાજીના દર્શન સરળ નહીં હોય તેથી દોહ્યલા પાર્શ્વનાથ નામથી પ્રસિધ્ધિ પામી હશે.
આ વિશિષ્ટ નામ પાછળની કથા કે તેનો ઈતિહાસ ઉપલબ્ધ નથી. શ્રી સંઘે આ જિનાલય વિક્રમ સંવત ૧૮૮૦ની આસપાસ બંધાવ્યું છે.
દર વર્ષે કાર્તિકી પુનમનો અહીં મેળો ભરાય છે. બનાસકાંઠા જીલ્લાનું આ અજ્ઞાત તીર્થ અત્યંત દર્શનીય છે. પ્રાચીન ગ્રંથોમાં આ તીર્થઅંગેની વિશેષ માહિતી ઉપલબ્ધ થતી નથી.
સંપર્ક :- શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુ.પો. ધોતા - સકલાણા, જી. બનાસકાંઠા. ગુજરાત.
શ્રી ડોહલાજી પાર્શ્વનાથ
૭૭