________________
શ્રી ભુવન પાર્શ્વનાથ ગુજરાતના ખેડા જિલ્લાના ખંભાત ખાતે શ્રી ભુવન પાર્શ્વનાથ પ્રભુજીનું મુખ્ય તીર્થ ભોંયરાના પાડામાં આવેલું છે. આ પાર્શ્વનાથનું બીજું નામ નવખંડા પાર્શ્વનાથ છે. ખંભાતમાં પ્રાચીન અને દર્શનીય જિનાલયો આવેલા છે. તેમજ જ્ઞાનભંડારો પણ છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં અડસઠમી દેવકુલિકામાં શ્રી ભુવન પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા બિરાજમાન છે.
ખંભાતમાં ભોંયરાના પાડામાં શ્યામ વર્ણના, પાષાણના, પદ્માસનસ્થ તથા સપ્તફણાથી અલંકૃત, કલાત્મક પરિકરથી પરિવૃત શ્રી ભુવન (નવખંડા) પાર્શ્વનાથ પ્રભુજીની દિવ્ય પ્રતિમાજી છે. આ પ્રતિમાજી ૨૭ ઈંચ ઊંચી અને ૨૨ ઈંચ પહોળી છે. ભોંયરાના પાડામાં હાલ પાંચ જિનાલયો છે. તેમાં પ્રથમ શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છે. તે પ્રતિમાજી પર વિક્રમ સંવત ૧૩૮૩નો લેખ છે. ત્રીજા જિનાલયમાં શ્રી મલ્લિનાથ પ્રભુ મૂળનાયક રૂપે બિરાજે છે. ચોથા જિનાલયમાં શ્રી ચંદ્રપ્રભસ્વામી બિરાજમાન છે. પાંચમા દેરાસરમાં શ્રી નવખંડા પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. આ શ્રી નવખંડા પાર્શ્વનાથને શ્રી ભુવન પાર્શ્વનાથ તરીકે “જયતિ હુઅણસ્તોત્ર' નામના પુસ્તકમાં આલેખમાં જણાવાયા છે. આ જિનાલયમાં આચાર્ય ભગવંત શ્રી હીરવિજયસૂરિના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૬૩૬માં શ્રી અજિતનાથ પ્રભુની પ્રતિમાજીની પ્રતિષ્ઠા થયાનો લેખ જોવા મળે છે. વિક્રમ સંવત ૨૦૦૭માં આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. શ્રી સંઘ દ્વારા દર વર્ષે વૈશાખ સુદ-૫ના પ્રતિષ્ઠા દિને વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. ખંભાતમાં અનેક પ્રાચીન રચનાઓનું સર્જન થયું છે. પ્રાચીન રચનાઓમાં આ તીર્થનો ઉલ્લેખ થયો છે.
શ્રી ભુવન પાર્શ્વનાથ
૧૯૬