________________
વિશેષ જાણકારી અહીં વિવિધ પુસ્તકો – પુસ્તિકામાંથી ઉધૂત કરેલી માહિતી પ્રસ્તુત કરાઈ છે.
ખંભાતના ભોંયરા પાડામાં શ્રી ભુવન પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય અને મુખ્ય જિનાલય આવેલું છે. આ શ્રી નવખંડા પાર્શ્વનાથનું જિનાલય પ્રાચીન છે. “જયતિ હુ અણસ્તોત્ર' નામના પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રીમંત ગિરધરલાલ હીરાભાઈએ ખંભાતના જિનાલયોની યાદી આપી છે તેમાં તેમણે આ નવખંડા પાર્શ્વનાથને શ્રી ભુવન પાર્શ્વનાથ નામથી ઓળખાવ્યા છે. કૃષ્ણવર્ણના આ પ્રતિમાજી નયનરમ્ય છે. શ્યામ પાષાણનું પરિકર પ્રભુજીની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ભોંયરા પાડાના શ્રી પાર્શ્વનાથ જિનાલયે શ્રી હીરવિજયસૂરિના હસ્તે વિક્રમ સંવત ૧૬૩૬માં શ્રી અજિતનાથ બિંબની પ્રતિષ્ઠા થયાની માહિતી આપતો શિલાલેખ આ જિનાલયની પ્રાચીનતા પર પ્રકાશ પાડે છે. મૂળનાયક પ્રભુને તે જ સ્થાને રાખીને વિક્રમ સંવત ૨૦૧૭માં આ જિનાલયનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. ઉત્થાપિત કરેલા જિનબિંબોની પુનઃ પ્રતિષ્ઠા વૈશાખ સુદ-૧૧ના ગુરૂવારે કરવામાં આવી હતી. વૈશાખ સુદ-પના પ્રતિષ્ઠા દિનને શ્રી સંઘ પ્રતિવર્ષ ઉજવે છે.
(૨) ખંભાત એક અતિ પ્રાચીન અને ભવ્ય તીર્થ છે. ખંભાતની જાહોજલાલી વર્ષોથી પ્રખ્યાત શહેર તરીકેની હતી. વડોદરાથી ૮૦ કિ.મી.ના અંતરે આવેલા આ ખંભાત ગામે હજુ પણ પ્રાચીન અવશેષો મળી આવે છે. આ સિવાય અહીં ૧૧૬ જિનાલયો આવેલા છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે અહીં દીક્ષા ગ્રહણ કરી હતી. ખંભાતમાં ઘણા પ્રાચીન ગ્રંથભંડારો છે.
એક સમયે ખંભાતની જાહોજલાલી પુરબહારમાં હતી. વ્યાપાર અને તેનો વૈભવટોચ પર હતા. ખંભાતનો આ ભૂતકાલીન વૈભવ ૧૭માં સૈકામાં થઈ ગયેલા મહાકવિ ઋષભદાસજીએ આ પ્રમાણે આલેખ્યો છે. ખંભાત શહેરમાં ૧૮ વર્ણનો વ્યાપાર સોળે કલાએ ખીલ્યો હતો. ત્યાંના ધનિકો, સાધુ પુરુષોના ચરણો પૂજતા, વિવેક અને સુવિચારથી ત્યાં અઢારે વર્ણના લોકો રહેતા હતા. ધનવાન લોકોના ઘરની સ્ત્રીઓ પટોળાં પહેરતી હતી. જ્યારે ધનિકો ત્રણ આંગળ પહોળા સોનાના અને હીરાના કંદોરા તથા સોનાના સાંકળા પહેરતા હતા.'
શ્રી ભુવન પાર્શ્વનાથ
૧૯૭