________________
શ્રી કચ્છુલિકા પાર્શ્વનાથ
રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવાડા તાલુકામાં આવેલ કાછોલી ગામમાં શ્રી કચ્છુલિકા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય આવેલું છે. સ્વરૂપગંજ રેલ્વે સ્ટેશનથી પાંચ કિલોમીટરના અંતરે આ તીર્થ આવેલું છે. નજીકનું બસ સ્ટેન્ડ ઉડવારિયા દોઢ કિ.મી. ના અંતરે છે. અહીં ધર્મશાળાની સગવડ છે. વૈશાખ વદ ૧૨ના દિવસે અહીં મેળો ભરાય છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં પંચોતેરમી દેવકુલિકામાં શ્રી કચ્છુલિકા પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને મનોરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
કાછોલી તીર્થમાં શિખરબંધી જિનાલયના મૂળનાયક શ્રી કચ્છુલિકા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અલૌકિક અને દર્શનીય છે. સુમનોહર પરિકરમાં સુશોભિત પ્રતિમાજી શ્વેત વર્ણની, સમ્રફણાથી વિભૂષિત, પદ્માસનસ્થ છે. પ્રતિમાજી ૨૯ ઈંચ ઊંચી અને ૨૩ ઈંચ પહોળી છે.
કાછોલીમાં જૈન શાસનના અનેક મહાપુરુષોએ પુનીત પગલાં પાડીને ભૂમિને અતિ પવિત્ર બનાવી છે. કચ્છના રાવે આ ગામ વસાવ્યાનું કહેવાય છે. પોતાના વતનની સ્મૃતિને ચિરંજીવ બનાવવા આ ગામનું કાછોલી રાખ્યું હોવાનું મનાય છે. સંવત ૧૩૪૩નો લેખ આ તીર્થની પ્રાચીનતા દર્શાવે છે.
‘કાછોલીવાલ ગચ્છ’ ની ઉત્પત્તિ આ ગામમાંથી થઈ હતી, ગામના નામ ઉપરથી કાછોલી મંડન શ્રી પાર્શ્વનાથજી ‘કચ્છુલિકા’ ના નામથી ઓળખાય
છે.
આ જિનાલય ગભારો, ગૂઢમંડપ, છ ચોકી, સભા મંડપ, શ્રૃંગાર ચોકી વગેરેથી સુશોભિત છે. વિક્રમ સંવત ૨૦૧૬માં આ તીર્થનો જીર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા કરવામાં આવ્યા હતા. અનેક લોકો આ પરમાત્માને ચિંતામણિ પાર્શ્વનાથ ના નામથી પણ ઓળખે છે. અનેક આચાર્યો, કવિઓએ પોતાની પ્રાચીન રચનાઓમાં આ તીર્થનો ઉલ્લેખ કર્યો છે.
શ્રી ક્ચ્છલિકા પાર્શ્વનાથ
૨૪૬