________________
આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને પાષાણની છે. અત્યંત મનોરમ્ય અને દર્શનીય છે. આ પ્રતિમાજી સતફણાથી અલંકૃત છે.
મહિમા અપરંપાર
રાજકોટના રમેશભાઈ પારેખનો પરિવાર દર વર્ષે દીવાળીની રજાઓમાં શ્રી શંખેશ્વરની યાત્રાએ અવશ્ય જાય. રમેશભાઈ તેમના પત્ની સુજાતા, પુત્ર દીપક તથા પુત્રી મારી શંખેશ્વરમાં બે દિવસનું રોકાણ કરતાં તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં ઉતરતા. તેઓને ભક્તિવિહારનું વાતાવરણ જ ગમી ગયું હતું. આ તીર્થ વિશાળ જગ્યામાં આવેલું હોવાથી તેમજ બગીચો, વૃક્ષોની હારમાળાઓને કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. વહેલી સવારે પક્ષીઓનો મધુર કલરવ મનને પ્રસન્ન કરી મૂકતો હોય છે.
દર દીવાળીના દિવસોમાં જતો રમેશભાઈ પારેખનો પરિવાર આ વર્ષે પણ અગાઉથી રૂમ બુક કરાવીને શંખેશ્વર પહોંચ્યો. શંખેશ્વરમાં પેઢીના મુનિએ ધર્મશાળામાં તેમની રૂમ લખી રાખી હતી.
રમેશભાઈ અને તેમનો પરિવાર ધર્મશાળાની રૂમમાં ઉતર્યો. રમેશભાઈએ રૂમમાં બેસતાં વેંત કહ્યું: “સુજાતા, અહીં આવીએ છીએ ત્યારે એમજ લાગે છે કે વર્ષોના થાક ઉતરી ગયો.”
સાચી વાત છે. મને પણ એવી અનુભૂતિ થાય છે. અહીંની પવિત્રતા તેમજ પ્રાકૃતિક વાતાવરણના કારણે તેમજ ભવ્ય જિનાલય હોવાથી આપણને શારીરિક, માનસિક થાક ઉતરી ગયો હોય તેવી અનુભૂતિ થાય છે...' સુજાતા બોલી.
રમેશભાઈ, સુજાતા, દીપક અને મારી નવકારશી વાપરીને પુનઃ રૂમ પર આવ્યા અને સ્નાનાદિ ક્રિયાથી નિવૃત્ત થઈને પૂજાના વસ્ત્રો ધારણ કર્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરવા અર્થે ગયા. કેસર ઘરમાંથી કેસરની વાટકીઓ લીધી. ફૂલવાળા પાસેથી ફૂલો લીધા.
શ્રી વિમલ પાર્શ્વનાથ
૨૨૦