________________
શોભાબેને પણ અનન્ય ભક્તિ દર્શાવતા કહ્યું : “હે મહિમાવંત પાર્શ્વ પ્રભુ, આપના દિવ્ય શરણમાં આવી છું. મને દુઃખરૂપી સંસાર સાગરથી પાર ઉતારો... આ જીવનમાં બધું જ ક્ષણભંગુર અને નશ્વર છે. આપની કૃપા દૃષ્ટિ સદાય વરસતી રહે તેવી અભ્યર્થના છે. મને સત્યનો માર્ગ બતાવો... તમે મારું સૌભાગ્ય છો... તમે મારું સર્વસ્વ છો. આપની ભક્તિ કરવાથી હું ક્યારેય ચલિત ન બનું, તેવી પ્રેરણા આપતાં રહેજો...સર્વ વિઘ્નોનો નાશ કરજો... હે પરમકૃપાળુ પાર્શ્વનાથ પ્રભુ, આપની કરૂણાનો કોઈ પાર નથી...”
દીપકભાઈ અને શોભાબેને શ્રી સિરોડીયા પાર્શ્વનાથ પ્રભુની ખરા હૃદયથી ભક્તિ કરી.. ભક્તિ કરતાં તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી.
દીપકભાઈનો પરિવાર ત્યાંથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરવા માટે ગયો ત્યારે બપોરના બાર વાગી ગયા હતા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના જિનાલયમાં સેવા-પૂજા માટે તાર હતી તેમાં પરિવારના સભ્યો ઊભા રહી ગયા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરવા માટે અર્ધા કલાકમાં વારો આવી ગયો. ત્યાં પણ દીપકભાઈના પરિવારે અનેરા ભાવથી સેવા પૂજા કરી અને ચૈત્યવંદન, મંત્રજાપ વગેરે કર્યા.
બપોરે એક વાગે દીપકભાઈનો પરિવાર ફરીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં આવી ગયો. ધર્મશાળામાં આવીને વસ્ત્રો બદલાવ્યા અને ભોજનના પાસ લઈને જમવા માટે ગયા. ભોજનશાળામાં સાત્વિક, શુધ્ધ ભોજન બનાવવામાં આવતું હોવાથી દીપકભાઈનો પરિવાર ખૂબજ આનંદથી જમ્યા. ભોજન ગ્રહણ કરી દીધા પછી દીપકભાઈ, શોભા, હિરેન તથા રોમા ધર્મશાળાની રૂમમાં પાછા ફર્યા અને બે કલાક આરામ કર્યો.
દીપકભાઈ અને શોભાબેન બપોરના ચાર વાગે ઉપાશ્રયમાં બિરાજમાન મુનિ ભગવંત પાસે આવ્યા અને વંદના કરીને દીપકભાઈએ પૂછયું: ‘ગુરૂદેવ, અમે નડિયાદથી આવીએ છીએ, અમને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં ફરતી ભમતીમાં શ્રી સિરોડીયા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય ભક્તિ છે. અમારે ધર્મકાર્યમાં થોડી રકમ વાપરવી છે. આપ અમને માર્ગદર્શન આપો..”
શ્રી સિરોડીયજી પાર્શ્વનાથ
૧૭૩