________________
શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ ગુજરાતમાં સુરત ખાતે ચંદનબાગ વિસ્તારમાં શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. જીરાવલા તીર્થ તથા કલિકુંડ પાર્શ્વનાથ (સાંતાક્રુઝ - મુંબઈ) તીર્થની ફરતી ભમતીમાં શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે. સુરતમાં અનેક ભવ્ય જિનાલયો આવેલા છે.
- શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જિનાલયની ફરતી ભમતીમાં સડસઠમી દેવકુલિકામાં શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુની મનોરમ્ય પ્રતિમાજી બિરાજમાન છે.
સુરતના ચંદનબાગ વિસ્તારમાં આવેલ શ્રી દુઃખભંજન પાર્શ્વનાથનું તીર્થ દર્શનીય છે. શ્વેત પાષાણના, પદ્માસનસ્થ અને સપ્રફણાથી આ પ્રતિમાજી સુશોભિત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૦ ઈંચ અને પહોળાઈ ૯ ઈંચની છે. આ પ્રતિમાજી અતિ પ્રાચન નથી છતાં તેનો પ્રભાવ અનન્ય છે. ભક્તોના દુઃખો હરી લેનારા શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ પ્રભુનું આ જિનાલય શેઠ તલકચંદ માણેકચંદ માસ્તરના નામથી ઓળખાય છે. આ પ્રતિમાજી વિક્રમ સંવત ૧૮૪૨ની હોવાનું માનવામાં આવે છે. અને વિક્રમ સંવત ૧૯૫૦માં આ જિનાલય બાંધવામાં આવ્યું હતું.
વિક્રમ સંવત ૧૮૮૧ માં પં. ઉત્તમ વિજયજી મહારાજાએ શ્રી પાર્શ્વનાથના ૧૦૮ છંદ” માં શ્રી દુઃખભંજન પાર્શ્વનાથના નામનો ઉલ્લેખ કરેલો છે. આ પ્રતિમાજી નયનોને શાતા આપનારા મનોહારી છે. શ્રધ્ધાળુઓની મનોકામના આ પ્રતિમાજી ના દર્શનથી સિદ્ધ થાય છે.
શ્રી દુઃખભંજન પાર્શ્વનાથ
૧૮૯