________________
શ્રી અલૌકિક પાર્શ્વનાથ
મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં ઉજ્જૈન રેલ્વે સ્ટેશનથી ૧૧ કિ.મી. ના અંતરે આવેલ હાસામપુરામાં શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુજીનું ભવ્ય જિનાલય આવેલું છે. શ્રી અલૌકિક પાર્શ્વનાથજીનું આ મુખ્ય તીર્થ છે. હાસામપુરા રાણાવદ ટેકરીની ઉત્તર પૂર્વમાં છે. હાસામપરા નામ કોઈ મુસ્લિમ શાસકે પોતાની બેગમનું નામ અમર બનાવવા માટે રાખ્યાનું જણાય છે. હાસામપુરાને આસામપુરા તરીકે પણ જાણવામાં આવે છે. આ મંદિરની નજીક ધર્મશાળા છે.
શંખેસ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ(જિનાલય)ની ફરતી ભમતીમાં ઓગણસાંઈઠમી દેરીમાં શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
હાસામપુરામાં બિરાજમાન શ્યામવર્ણના શ્રી અલૌકિક પાર્શ્વનાથજીની પ્રતિમાજી મનોરમ્ય અને દર્શનીય છે. પદ્માસનસ્થ આ પ્રતિમાજી કલાત્મક પરિકરથી પરિવૃત્ત છે. આ પ્રતિમાજીની હસ્તમુદ્રા પર સર્પયુગલના પ્રભાવક શિલ્પ હોવાથી પ્રતિમાજીની પ્રતિભા કંઈક અલગ તરી આવે ચે. પ્રભુજીના મસ્તકે સાતફણા છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૫ ઈંચ અને પહોળાઈ ૩૦ ઈંચની છે. પ્રતિમાની હસ્તમુદ્રા નીચે નાગ-નાગણીની જોડી વીંટાયેલી છે, જે અલૌકિક ચે.
પ્રાચીનકાળમાં આજનું હાસામપુરા ઉજ્જૈન નગરીનો મહોલ્લો હોવાનું કહેવાય છે. મહારાજા વિક્રમાદિત્યનો રાજમહેલ આ વિસ્તારમાં રહ્યો હોવાની સંભાવના છે. નજીકના રાણીકોટ નામના સ્થળે રાણી મહેલ રહ્યો હશે તેવી લોકવાયકા છે. એટલું ચોક્કસ કે આ સ્થળ પ્રાચીન છે.
આ જિનાલયનું સ્થાપત્ય વહી તીર્થના શ્રી વહી પાર્શ્વનાથ જિનાલયના સ્થાપત્યને મળતું આવે છે. વહી તીર્થના જિનાલયનો નિર્માણકાળ દશમા સૈકાનો માનવામાં આવે છે. તેથી શ્રી અલૌકિક પાર્શ્વનાથનું આ જિનાલય એટલું પ્રાચીન હોવું જોઈએ. ૫રમાર વંશના રાજવીઓના સમયમાં માળવામાં જૈન ધર્મની સવિશેષ ઉન્નતિ થઈ હતી તેમ ઈતિહાસની નોંધ છે.
તેથી ઉપરોક્ત સંભાવનાઓમાં વજુદ જણાયા વગર રહેતું નથી.
શ્રી અલૌકિ પાર્શ્વનાથ
૧૩૮