________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨]
[સ્વાનુભૂતિદર્શન ખરો જિજ્ઞાસુ અને ખરો આત્માર્થી હોય તેને સાચું ન આવે ત્યાં સુધી સંતોષ થાય જ નહિ. તેનો આત્મા જ કહી દે કે આ કાંઈ અંદરથી શાંતિ આવતી નથી, માટે આ યથાર્થ નથી અને યથાર્થ હોય તેને અંદરથી જ શાંતિ આવે. ઉતાવળ કરવાથી ખોટું થાય છે, ખોટું ગ્રહણ થઈ જાય છે, કયાંક ને ક્યાંક પ્રશસ્ત રાગમાં રોકાઈ જાય છે. સૂક્ષ્મ રાગ પકડાતો નથી, અને અંદર શુભ રાગને છૂટો પાડી શકતો નથી કે સૂક્ષ્મ થઈને જ્ઞાનને ગ્રહણ કરી શકતો નથી. વારંવાર ભાવનાના વિકલ્પ આવે તેનાથી પણ જ્ઞાયક જુદો છે, તેમ અંદરથી યથાર્થ ગ્રહણ થવું જોઈએ. તે થઈ શકતું ન હોય ને ખોટી ઉતાવળ કરીને કોઈ પરમાર્થને ગ્રહણ કરવા માટે ધ્યાન કરે, પણ તેવા ધ્યાનમાં યથાર્થ ગ્રહણ થતું નથી. તે ધ્યાનમાં વિકલ્પ શાંત થઈ જાય તેથી એમ લાગે કે જાણે વિકલ્પ છે જ નહિ. પરંતુ વિકલ્પ હોય છે છતાં તે નથી એમ ઉતાવળથી માની લે તો ખોટું થઈ જાય છે.
મુમુક્ષુ – સમ્યગ્દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને પ્રાપ્ત કરવાની આકુળતા તો સ્વભાવિક થાય; છતાં પણ તેને દર્શન પરીષહ કહ્યો? તેમ જ ધીરજ રાખવામાં શું પ્રમાદ ન થઈ જાય?
બહેનશ્રી - આત્માર્થીને પ્રમાદ થાય નહિ. આ પ્રમાદ છે કે ધીરજ છે તે તેને પકડવું જોઈએ. ધીરજ અને પ્રમાદમાં ફેર છે. યથાર્થ પકડાય નહિ ત્યાં સુધી શાંતિ રાખે તે પ્રમાદ નથી. યથાર્થ આત્માર્થી છે તેને સાચું ગ્રહણ થાય છે કે આ પ્રમાદ છે કે ધીરજ છે. સમ્યગ્દર્શન માટે ખોટી આકુળતા કરવી તેને અપેક્ષાએ દર્શન-પરીષહ કહ્યો છે. યથાર્થ રીતે તો સમ્યગ્દર્શન, ચારિત્ર થયા પછી બધા પરીષહુ લાગુ પડે છે; પણ આ તેને સમ્યગ્દર્શન નથી થયું પરમાર્થની પ્રાપ્તિ નથી થઈ તો પણ અપેક્ષાએ દર્શન પરીષહ કીધું છે.
કોઈ ખોટી શંકા અને કુતર્કો કરતો હોય તો પણ સમ્યગ્દષ્ટિ ડગતો નથી. તેને નિઃશંકગુણ એવો પ્રગટ થઈ ગયો છે કે પોતે પોતાની શ્રદ્ધાથી ડગતો નથી. આખો બ્રહ્માંડ ખળભળી જાય એવા કે ગમે તેવા બીજા પરીષહો આવે તેમ જ ન્યાય-યુક્તિ આવે તો પણ પોતે જે જ્ઞાયક સ્વભાવ ગ્રહણ કર્યો છે તે જ્ઞાયકમાં નિઃશંક રહે છે, તેમાં તેને શંકા પડતી નથી. આવા પરીષહો સમ્યગ્દષ્ટિને હોય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com