________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬ ]
[સ્વાનુભૂતિદર્શન દિનચર્યા મુમુક્ષુ- આપ તો સદાય ચૈતન્યના નંદનવનમાં વિચરી રહ્યાં છો. ચૈતન્ય બાગનાં પુષ્પોની-ફૂલોની સુગંધથી ચોમેર સુગંધ પ્રસરાવી રહ્યાં છે. આપના ચૈતન્યની મસ્તીથી ભરપૂર જીવનની દૈનિક ક્રિયા-દિનચર્યા વિષે જાણવાની ભાવના થાય છે. તો કૃપા કરીને જણાવશોજી.
બહેનશ્રી - અંતરની દિનચર્યામાં તો આત્મામાં જવું, તેમાં રહેવું, ને ધ્યાન કરવું તે હોય છે. આત્માને વિભાવની સાથે પણ સંબંધ નથી, તો પછી શરીરની સાથે શું સંબંધ હોય? શરીરનું કાર્ય શરીરમાં થાય છે, આત્મા તો પોતાનું કાર્ય કરે છે.
બહારના કાર્યક્રમમાં નિત્યનિયમ મુજબ પૂર્વે જે જે શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે તેમાંથી જે યાદ આવે તે સવારના ફેરવી જાઉં છું. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, ધવલ, પરમાત્મ પ્રકાશ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ, પંચાધ્યાયી, મોક્ષશાસ્ત્ર આદિ જે જે શાસ્ત્રનો અભ્યાસ છે, તેમાંથી રોજ સવારે નિયમથી ફેરવી જાઉં છું. શાસ્ત્રોમાંથી ગાથારૂપે, ટીકારૂપે, અર્થરૂપે કે ભાવરૂપે જે યાદ આવે તે નિયમથી ફેરવી લઉં છું. તે દરરોજનો નિયમ છે. શાસ્ત્ર હાથમાં લઈ શકાય, અગર ન લઈ શકાય; પરંતુ આ સ્વાધ્યાય કરવાનો તો હંમેશ માટેનો નિયમ છે.
દરરોજ સવારે નિયમથી ધ્યાન હોય છે. તે સિવાય આખા દિવસમાં બીજું વધારે ધ્યાન થતું હોય તે જુદું. મહાવિદેહનું સ્મરણ, સીમંધર ભગવાનનાં દર્શન, તે બધું આત્માના ધ્યાન સાથે થતું હોય છે. ચૈતન્યમય જીવન છે. દર્દ આવે તે વખતે ધ્યાન વધારે ચાલતું હોય છે ને બહારથી ઉપયોગ છૂટીને અંદર ધ્યાનની એકાગ્રતા થાય છે. અંદરમાં નિર્વિકલ્પ ધ્યાન થાય છે. સહજ જ્ઞાતાધારાની સાધનાનું આ ફળ છે.
આત્માનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે ઉપયોગ બહાર હોય તો પણ અંદરનું કાર્ય તો ચાલ્યા જ કરે છે. બહારના સંયોગો કે વેદના કે શરીર આત્માને રોકતાં નથી. પરિણતિ સહજપણે વારંવાર અંતરમાં જાય છે. આ બધો ગુરુદેવનો પ્રતાપ છે. ગુરુદેવના પ્રતાપે બધું પ્રગટ થયું છે. આપણે તો તેમનાં ચરણોના સેવક છીએ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com