________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૨૭૫ જે દ્રવ્યદૃષ્ટિ કરે તેને દ્રવ્યદૃષ્ટિની અંદર જેમ સ્વતઃસિદ્ધ દ્રવ્ય આવે છે તેમ પર્યાય પણ સ્વતઃસિદ્ધ છે તો પણ પર્યાય દ્રવ્યદૃષ્ટિના વિષયમાં આવતી નથી. પણ તેથી પર્યાય કોઈ અલગ અને અદ્ધર થઈ ગઈ એમ નથી. પર્યાય પરિણમે છે, જેવી જાતનું દ્રવ્ય હોય એવી જાતની પર્યાય પરિણમે છે. કાંઈ જડ દ્રવ્ય હોય અને ચૈતન્યપણે પર્યાય પરિણમે? બીજા દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યરૂપે પરિણમે? જે દ્રવ્યની જે પર્યાય હોય તે પર્યાય તે દ્રવ્યના આશ્રયે જ પરિણમે છે, એવો તેનો સંબંધ તૂટતો નથી. પર્યાય સ્વતઃસિદ્ધ અને સ્વતંત્ર હોવા છતાં પણ સંબંધ દ્રવ્ય સાથેનો છે. પર્યાયનો દ્રવ્ય સાથેનો સંબંધ છૂટતો નથી, છતાં દ્રવ્યદષ્ટિના વિષયમાં તે નથી આવતી. દ્રવ્યદષ્ટિનો વિષય અખંડ છે, માટે તેમાં ગુણ-પર્યાયના ભેદ આવતા નથી. તો પણ કોઈ અપેક્ષાએ દ્રવ્યમાં ગુણ-પર્યાયના ભેદ છે, અને તે ભેદને કારણે પર્યાયને દ્રવ્યનો આશ્રય હોય છે. જો દ્રવ્ય એકલું કૂટસ્થ હોય તો સાધના હોય નહિ, વેદન હોય નહિ, સંસાર-મોક્ષની કોઈ અવસ્થા હોય નહિ. માટે દ્રવ્ય પર્યાય વગરનું હોતું નથી.
પર્યાયને સ્વતંત્ર કહેવાનો અર્થ એ છે કે તે સ્વતઃસિદ્ધ અને અકારણ પારિણામિક છે. તેનું સ્વરૂપ સ્વતંત્ર બતાવવા માટે એમ કહ્યું છે. દ્રવ્યદૃષ્ટિ જ્યાં પ્રગટ થઈ ત્યાં તેના વિષયમાં તે પર્યાય હોતી નથી તો પણ સાધનામાં બંનેદ્રવ્યદૃષ્ટિ ને પર્યાય-સાથે હોય છે. તેમાં દ્રવ્યદૃષ્ટિ મુખ્ય હોય છે, કેમ કે જેને દ્રવ્યદષ્ટિ પ્રગટ થઈ તેને જ સાથે સાધનાની પર્યાયની શુદ્ધિ થાય છે. વસ્તુનું
સ્વરૂપ જ એવું છે. દ્રવ્યની દૃષ્ટિ જેની યથાર્થપણે થાય તેને જ સાથે પર્યાય શુદ્ધરૂપે પરિણમે છે. દ્રવ્યદષ્ટિ સાથે અંશ-અંશીનું યથાર્થ જ્ઞાન પણ કરાવે છે કે અંશી પોતે અખંડ છે અને તેમાં અનંત ગુણ તથા અનંત પર્યાય છે. પર્યાય તે અંશ છે. અંશનું સામર્થ્ય અંશી જેવું નથી તો પણ એ સ્વતઃ છે, સ્વતઃ પરિણમે છે, સ્વતંત્ર છે, તેમ કહેવાનો આશય છે. દષ્ટિના વિષયમાં પર્યાય આવતી નથી માટે તેને જુદી પાડીને એમ કહેવાય છે કે તે સ્વતંત્ર પરિણમે છે. પર્યાય દ્રવ્યદૃષ્ટિનો વિષય નથી અને તે સ્વતઃ છે, તેથી તેને સ્વતંત્ર કહેવામાં આવે છે. પર્યાયની સ્વતંત્રતા બતાવવામાં, પર્યાય નથી એમ સાબિત નથી થતું, પણ પર્યાય છે અને તે દ્રવ્યનો એક ભાગ છે તેમ જ તે સ્વતંત્ર અને સ્વત:સિદ્ધ છે, એમ સાબિત થાય છે. પર્યાય કોઈ જુદી છે એવો તેનો અર્થ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com