________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૩૫૩
ભેદજ્ઞાન કરી તિર્યંચ પણ સમ્યગ્દર્શન પામે છે. હું આશ્ચર્યકારી વસ્તુ છું, અનંત ગંભીરતાવાળું અસ્તિત્વ છું એમ પોતાને ગ્રહણ કરે છે તેમાં ગુણ-પર્યાય આદિ બધાના જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. ૬૪૬.
પ્રશ્ન:- પોતાના અસ્તિત્વનો તિર્યંચને એટલો મહિમા આવે છે?
સમાધાનઃ- પોતાના જ્ઞાયકનું અસ્તિત્વ પોતે મહિમાથી ગ્રહણ કરે છે કે હું આ જ્ઞાયક કોઈ જુદો જ છું, અનંત સામર્થ્યથી ભરપૂર શક્તિવાળો હું પદાર્થ છું, આ તુચ્છ વિકલ્પ મારો સ્વભાવ નથી અને તેની અંદરમાં દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપના જ્ઞાનનો સમાવેશ થાય છે. તેને ન્યાય, દલીલ કે યુક્તિઓ આવડતી નથી, પણ અસ્તિત્વને ગ્રહણ કરે છે તેમાં બધું આવી જાય છે. હું જ્ઞાયક ધ્રુવ, કૂટસ્થ છું, પલટનારો નથી એવું કાંઈ શબ્દોમાં નથી આવડતું; પરંતુ હું મહિમાવાળો જ્ઞાયક છું અને પોતાના અસ્તિત્વને ધરનારો, પોતાના સ્વરૂપમાં રહેનારો તથા બહાર નહિ જનારો એવો મારો સ્વભાવ છે એમ તેને ગ્રહણ થઈ જાય છે. તેને નામ નથી આવડતાં, પણ આત્માને ગ્રહણ કરી તેમાં જ હું સ્થિર રહું તો આ બધું છૂટી જાય એવા બધા ભાવ ગ્રહણ કરી લે છે. નવતત્ત્વનાં નામ નથી આવડતાં, પણ હું આત્મા છું ને આ રાગાદિ વિભાવ છે તથા કોઈ જાતના વિભાવ પરિણામ મારો સ્વભાવ નથી એમ આત્માને ગ્રહણ કરી પોતામાં એકાગ્ર થવાનો પ્રયત્ન તેને થાય છે અને તેમાં બધું જ્ઞાન આવી જાય છે. પુણ્ય-પાપ, જીવ-અજીવ આદિ બધાનું જ્ઞાન સમાઈ જાય છે. ૬૪૭.
પ્રશ્ન:- જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન નથી, અજ્ઞાન છે એમ વચનામૃતમાં આવે છે. તો તેનો વિશેષ ખુલાસો કરવા કૃપા કરશો.
સમાધાનઃ- જ્ઞાન સાથે આનંદ નથી તો તે યથાર્થ જ્ઞાન જ નથી. જેને સમ્યગ્દર્શન થાય, સ્વાનુભૂતિ થાય તેને જ્ઞાન સાથે આનંદ આવે જ. જો આનંદ ન આવે તો જ્ઞાન સમ્યકરૂપે પરિણમ્યું જ નથી, એકલું લૂખું જ જ્ઞાન છે. જ્ઞાન સાથે આનંદની પરિણતિ જો પ્રગટ થઈ નથી તો તે જ્ઞાન નથી, અજ્ઞાન છે અને તે છૂટું પડયું નથી. ભેદજ્ઞાન થઈને અંદર સ્વાનુભૂતિ થાય તો તે જ્ઞાનની સાથે આનંદ આવ્યા વગર રહેતો નથી. જેમ જેમ આસ્રવથી નિવૃત્ત થતો જાય તેમ તેમ જ્ઞાનની દશા વધતી જાય છે અને જેમ જેમ જ્ઞાનદશા વધે તેમ તેમ આસ્રવથી નિવૃત્ત થતો જાય. સ્વાનુભૂતિ પ્રગટ થઈને જ્ઞાનદશા પ્રગટે તેની સાથે આનંદ હોવો જ જોઈએ.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com