________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૨૮૧
સંસાર એવો છે માટે શાંતિ રાખવી સુખદાયક છે, અંદરથી ભૂલ્યા વગર છૂટકો જ નથી. ઋષભદેવ ભગવાન નીલાંજનાનું નૃત્ય જોતા હતા, ત્યાં ક્ષણમાં ફેરફાર થાય છે તે જોતાં ભગવાનને વૈરાગ્ય આવે છે. જુઓ ને! આયુષ્ય કયારે અને કેવા સંયોગમાં પૂરું થાય છે! એવી જ રીતે આયુષ્યનો બંધ પડયો હોય છે. તેથી તેવી જ રીતે તે પૂરું થાય છે.
છતાં સંસારી જીવોને આવી રીતે અચાનક આયુષ્ય પૂરું થાય એટલે આઘાત લાગે, પણ તેનો કોઈ ઉપાય નથી. વિચારને ફેરવ્યા વગર છૂટકો નથી. સંસાર તો આવો છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું, શરીરથી આત્મા જુદો જાણવો, જ્ઞાયકને ઓળખવો–ભેદજ્ઞાન કરવું.
ગુરુદેવે જે ઉપદેશની જમાવટ કરી છે તે જમાવટ અંતરમાં રાખીને શાંતિ રાખવી. ગુરુદેવની વર્ષો સુધી વાણી વરસી અને ગુરુદેવના ઉપદેશની જે જમાવટ થઈ તેને અંદરમાં પોતે ગ્રહણ કરીને તે જ કરવાનું છે. આવા પ્રસંગે શાંતિ રહે છે તે ગુરુદેવના ઉપકારથી રહે છે.
મુમુક્ષુએ ગમે તેવા તુચ્છ પ્રસંગમાં વૈરાગ્યમાં ઝંપલાવવું. આ તો આઘાતનો પ્રસંગ છે, તેમાં સમાધાન રહેવું બહુ મુશ્કેલ છે. તો પણ પુરુષાર્થ કરીને સમાધાન રાખવું. કારણ કે તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી. શાંતિ રાખવી તે એક જ ઉપાય છે.
ગમે તેવા પ્રસંગોમાં પણ વૈરાગ્યમાં ઝંપલાવવું તે આત્માર્થીનું કર્તવ્ય છે. ચોથા કાળના જીવો–રાજા, તીર્થંકર ભગવાન-આદિ-ઝાકળના બુંદને જોઈને વૈરાગ્ય પામતા, ઉ૫૨થી તારો ખરતો દેખી વૈરાગ્ય પામતા. એવા પ્રસંગો જોઈને ક્ષણભરમાં વૈરાગ્ય પામતા. ભરત ચક્રવર્તી માથામાં ધોળો વાળ દેખી વૈરાગ્ય પામ્યા અને અંતરમાં ઊતરી ગયા તો કેવળજ્ઞાન પામ્યા.
આત્મા એકલો જન્મે, એકલો મરે અને એકલો મોક્ષે જાય. જન્મ થાય ત્યારે પણ એકલો અને મરણ થાય ત્યારે પણ એકલો, કોઈ તેનો સાથીદાર નથી. પોતે જ કર્મ કરે છે અને પોતે જ ભોગવે છે. તેમ જ મોક્ષમાં પણ પુરુષાર્થ કરીને પોતે એકલો જ જાય છે. માટે પોતે પુરુષાર્થ કરીને પોતાના મનને ધર્મ તરફ જ્ઞાયક તરફ વાળી દેવું. આત્મા પોતે જ્ઞાયક ચૈતન્યદેવ તે શરણ છે, દેવ-શાસ્ત્રગુરુ શરણ છે ને પંચપરમેષ્ઠી શરણ છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com