________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૨૨ ]
[ સ્વાનુભૂતિદર્શન સ્વભાવ છે માટે સુગમ છે, સહજ છે, સરળ છે. પણ અનાદિના વિભાવના અભ્યાસના કારણે દુર્લભ છે. પોતાનો સ્વભાવ છે માટે સહજ છે. પોતે જ છે, કાંઈ બીજો નથી માટે સહજ છે. પ્રગટ કરે તો અંતર્મુહૂર્તમાં થાય છે, અને ન કરે તો અનંતકાળ જાય છે. પોતાને વિભાવનો અનાદિનો અભ્યાસ છે એટલે પ્રગટતો નથી. બાકી સ્વભાવ પોતાનો છે, પોતામાંથી પ્રગટે છે. બહારથી નથી આવતો. બહા૨ કયાંય શોધવા જવું પડતું નથી. પોતામાં જ ભરેલું છે તે પ્રગટ કરવાનું છે. ૧૭૭. પ્રશ્ન:- બહારમાં કયાંય ન ગમતું હોય તો જ આત્મામાં ગમે એવું ખરું ?
સમાધાનઃ- બહારમાં ન ગમતું હોય તો જ આત્મામાં ગમે. બહારની રુચિ જેને લાગે તેને આત્માની રુચિ લાગે નહિ. આત્માની રુચિ લાગે તેને બહારની રુચિ તૂટી જાય છે. બહારમાં રુચિ અને તન્મયતા છે તેને આત્માની લગની નથી, તે આત્મા તરફ જઈ શકતો નથી. અનાદિકાળથી પોતે બહા૨માં તન્મય થઈને રહ્યો છે માટે આત્માની લગની લાગી નથી. આત્માની રુચિ લાગે તો જ આત્મામાં જઈ શકાય છે. ઘણા કહે છે ને? કે કયાંય ગમતું નથી તો તારા આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર. ત્યાં ગમે તેવું છે. તે તારું રહેવાનું સ્થાન છે, સુખનું ધામ છે. સ્વરૂપને ગ્રહણ કરવાનો પુરુષાર્થ કર, તો તેમાંથી સુખ પ્રગટ થશે. બહાર ન ગમે તો જ અંદ૨માં જવાય તેમ છે. બહાર રુચે તેને માટે બહા૨નો સંસાર ઊભો જ છે. ૧૭૮.
પ્રશ્નઃ- અંદરમાં આત્માનું સુખ જોયું નથી તો વિશ્વાસ કઈ રીતે કરાય ?
સમાધાનઃ- સુખને જોયું નથી, પણ સુખની ઇચ્છા છે અને બહાર કયાંય ચેન પડતું નથી, રુચતું નથી. તો સુખમય એક આત્મપદાર્થ જગતમાં હોવો જોઈએ. તું તારા વિચારથી તેને ગ્રહણ કર, તેમાં જ સુખ છે. જે સુખનું ધામ દેવ-શાસ્ત્ર-ગુરુ બતાવી રહ્યા છે. મુનિઓએ તથા અનંતા તીર્થંકરોએ પ્રગટ કર્યું છે અને બધા મહાપુરુષોએ પણ તે બતાવ્યું છે. માટે તું વિચાર કર તો આત્મામાં જ સુખ લાગશે. અત્યારે તને દેખાતું નથી પણ તત્ત્વનો વિચાર કરીને જો તો તને પણ દેખાશે. તને તારો આત્મા જ અંદરથી જવાબ આપી દેશે. તું જાણનારો અંદર બિરાજે છે એમાં સુખ છે. તું વિચાર કર તો પ્રતીતિ આવ્યા વગર રહેશે નહિ. તે માર્ગે જ અનંતા તીર્થંકરો મોક્ષે ગયા છે અને તેમણે માર્ગ બતાવ્યો છે. તેનો અંતરમાં વિચાર કર, તો વિશ્વાસ આવ્યા વગર રહેશે નહિ. ૧૭૯.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com