________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮]
| [ સ્વાનુભૂતિદર્શન માર્ગ બતાવ્યો, તે માર્ગની પ્રાપ્તિ માટે માર્ગદર્શન આપ્યું અને જેનો પરમ ઉપકાર છે તેમની કેમ પ્રભાવના થાય તેવો હેતુ પાત્ર શિષ્યને હોય છે, બીજો કોઈ અન્ય હેતુ તેનો હોતો નથી. આ પાત્ર જીવનું લક્ષણ છે. ૨૪૩. પ્રશ્ન- ધાર્મિક સંસ્થાનાં કાર્યો કરવામાં પ્રયોજનમાં શું લેવું? જોડાવું કે નહીં? સમાધાનઃ- ધાર્મિક કાર્યોમાં દેવ-શાસ્ત્ર-ગુરુની પ્રભાવના થતી હોય, પોતાને તેનો વિકલ્પ આવતો હોય તો તેમાં જોડાય છે. દેવ-શાસ્ત્ર-ગુરુની પ્રભાવના અર્થે અને પોતાના આત્માના અર્થે તેમાં જોડાય છે. બીજું કોઈ પ્રયોજન હોતું નથી. ૨૪૪. પ્રશ્ન- તેમાં આત્મા જ મુખ્ય હોય ? સમાધાન:- આત્મા જ મુખ્ય છે. મારા આત્મામાં સંસ્કાર કેમ પડે, તે સંસ્કાર દઢ કેમ થાય, હું ચૈતન્ય ન્યારો છું, એવું જ તેનું પ્રયોજન છે. પોતાને ધર્મની પ્રીતિ છે, તેથી ધર્મની પ્રભાવના કેમ થાય, ગુરુદેવની પ્રભાવના કેમ થાય, ગુરુના ધર્મની શોભા કેમ વધે, કોઈ આ માર્ગ જાણે તેવો શુભભાવનો વિકલ્પ આવે છે. જેને પોતાના સ્વભાવની પ્રીતિ છે, તેને ગુરુએ જે માર્ગ બતાવ્યો છે તેની અને ગુરુની ભક્તિ આવ્યા વગર રહેતી નથી, તેથી શુભ કાર્યોમાં જોડાય છે પણ તેમાં તેનો હેતુ આત્માનો છે. ૨૪૫. પ્રશ્ન:- એક સમયની જ્ઞાનની પર્યાયને કોઈવાર શાસ્ત્રમાં શેય તરીકે કહે છે, કોઈવાર પર્યાય છે માટે હેય છે તેમ કહેવાય છે ને કોઈ વખત પ્રગટ કરવા માટે તેને ઉપાદેય કહેવાય છે. એમ પર્યાય સંબંધી શાસ્ત્રમાં ઘણા પ્રકાર આવે છે તો ભેદજ્ઞાનની જ્યોતિ પ્રગટ કરવા માટે કઈ વાત મુખ્ય કરવી ? હેય-શૈય-ઉપાદેય કઈ રીતે કરવું ? તે ફરમાવશોજી. સમાધાન - અખંડ સ્વભાવ ઉપર દષ્ટિ કરતાં જે પર્યાયો પ્રગટે છે તે આત્માનું મૂળ સ્વરૂપ નથી, માટે દૃષ્ટિ અપેક્ષાએ તેને હેય કહે છે. જ્ઞાનની અપેક્ષાએ તેને જાણવા યોગ્ય કહેવાય છે, પણ જે અધૂરી સાધનાની પર્યાય છે તે વચ્ચે આવ્યા વગર રહેતી નથી. તે જ્ઞાનમાં જાણવાયોગ્ય છે અને તે પ્રગટ કરવાની અપેક્ષાએ આદરવાયોગ્ય છે. જ્ઞાન-દર્શનની જે અધૂરી પર્યાયો છે તે એક સમયમાં પૂર્ણ થતી નથી, ચારિત્ર પણ એકસાથે પરિપૂર્ણ પ્રગટ થતું નથી. તેથી તેને સાધના કરવાની રહે છે, સ્વરૂપમાં લીનતા કરવાની રહે છે. તેથી તે પર્યાયને જ્ઞાન આદરણીય પણ જાણે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com