________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ]
[સ્વાનુભૂતિદર્શન મુમુક્ષુ- કરવામાં શું બાકી રહી જાય છે? કુટુંબ-પરિવાર છોડી અહીં રહીએ છીએ ને રુચિપૂર્વક શાસ્ત્ર વાંચી, વિચારવાનું મન પણ થાય છે.
બહેનશ્રી:- આવું કરવા છતાં પણ પોતે અટકે છે કેમકે રૂચિ ત્યાં ને ત્યાં છે. જેટલી જોઈએ તેટલી અંદર તીવ્રતા નથી, અંતરમાં પાછો વળતો નથી, અંતરની મહિમા આવતી નથી; પોતાને ગ્રહણ કરતો નથી ને વિરક્તિ આવતી નથી; જેમ કોઈ સૂતો હોય ને જાગૃત થવાનો નિર્ણય કર્યો હોય, પણ જાગું છું...જાગું છું એમ કર્યા કરે તો પણ પ્રમાદને લઈને જાગતો નથી-ઊઠતો નથી તેમ જેટલું કારણ આપવું જોઈએ તેટલું આપતો નથી, જેટલી તીવ્રતા જોઈએ તેટલી કરતો નથી, જ્ઞાન-વિરક્તિ-મહિમા કરતો નથી તે ક્યાંક અટકે છે. અંતરમાંથી તાલાવેલી લાગવી જોઈએ કે પોતે ક્યાંય ન અટકતાં પોતામાં ચાલ્યો જાય. તેટલી અંદરથી લગની લાગવી જોઈએ.
દષ્ટિ અંતરમાં થંભતી નથી અને પર તરફથી છૂટતી નથી તેનું કારણ પોતાનું છે. પોતાનો આશ્રય પ્રબળપણે લે અને પરનો આશ્રય છોડી દે તો નિરાલંબન થઈ જાય. પોતાના આશ્રયનું જોર થાય તો પરનો આશ્રય છૂટી જાય છે, પણ પોતે છોડ તો છૂટે. દ્રવ્યને ગ્રહણ કર્યું નથી તેથી પર્યાયમાં બધે અટકેલો છે. બીજા તરફથી પાછો હઠે તો પલટો થાય, તે પોતાના પુરુષાર્થથી થાય છે. ૮૯. પ્રશ્ન:- પર્યાયમાં અટકયો છે તેના માટે શું કરવું? સમાધાનઃ- બહારમાં સર્વસ્વ નથી, જ્ઞાયકમાં જ બધું છે તેમ પોતે દઢતા કરવી. ભલે પ્રથમ બુદ્ધિપૂર્વક વિચાર કરીને દઢતા કરે, પણ અંદરથી પલટો ખાવામાં વિશેષ તૈયારી થવી જોઈએ તો પરિણતિ પલટો ખાય. બુદ્ધિમાં દઢતા આવે, પણ પરિણતિ જ્યાં સુધી પલટો ખાતી નથી ત્યાં સુધી કચાશ છે. પરિણતિ પરના એકત્વ તરફ ઢળી રહી છે, તે પોતાની કચાશ છે. બુદ્ધિમાં નિર્ણય કરે કે મહિમાવંત જ્ઞાયક આત્મા છે, સુખ પણ આમાં છે, બહારમાં સુખ નથી.-આમ નિર્ણય સુધી પોતે આવે છે, પણ પરિણતિ પલટો ખાતી નથી, તે કચાશ છે. વારંવાર જ્ઞાયકની તરફ પરિણતિ રહ્યા કરે તો પલટો ખાય, પરંતુ જ્ઞાયક તરફ પરિણતિ ટકે કયારે? કે પોતા તરફ રહેવાની જરૂરિયાત લાગે તો જ્ઞાયક તરફ પરિણતિ ટકે.
ગુરુદેવે બધાને ગ્રહણ થાય તેવું ચોખ્ખું કરી દીધું છે, આખો માર્ગ ચોખ્ખો કરીને બતાવી દીધો છે. ૯૦.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com