Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
35
પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વગેરે નિમિત્તાદિ સામગ્રીનો યોગ મેળવવાનું વિધાન કર્યું છે. નિમિત્તો જ્યાં સુધી આત્મા સરાગી અને ભાવુક છે ત્યાં સુધી તેનાં ઉપર ચોક્કસ અસરો ઉપજાવે છે. શુભ નિમિત્તો શુભભાવનાં અને અશુભભાવનાં જનક છે, એ હકીકત આબાલ-ગોપાલ એટલી અનુભવસિદ્ધ છે કે ઘણી બાબતોમાં નિમિત્તોની સામે મનુષ્ય પોતાની જાતને પણ સાવ ભૂલી જાય છે. ‘અમુક ખાવાથી માંદો પડી ગયો, અમુક દવાના પ્રભાવે જ બચ્યો, આ ઉપકારી હાથ પકડનારા ન હોત તો હું દરિદ્ર ક્યાંય ભીખ માગતો હોત, આ અમુક કારણથી જ બરબાદી થઈ, આ અમુક ધંધાથી જ હું સુખી થયો. મેં જ તને આ કેસમાં બચાવ્યો, આ અમુકના પુણ્યથી જ અમે આજે સુખમાં સ્વપ્નો સિદ્ધ કરી શક્યા, આ નિર્ભાગીના પગલે ચાલ્યા ત્યારથી અમારો દી' પલટાયો, વગેરે વગેરે પ્રત્યેક વાતમાં પ્રાય: મનુષ્ય એ રીતે બોલતો હોય છે કે જાણે તેનાં કર્મો પુરુષાર્થ, કાળ કે આત્મા જેવું કંઈ છે જ નહિ. એક માત્ર તે તે નિમિત્તો જ તેના સુખ-દુ:ખનાં સર્જક હોય એમ તેનો અનુભવ તેને બોલાવતો હોય છે. કોઈ એકાંત નિશ્ચયવાદી તેને મિથ્યાજ્ઞાની કહીને ઉડાડે છે, છતાં ઉડાડનારો પોતે પણ જીવનમાં એ નિમિત્તોને મહત્ત્વ આપતો હોય છે. ગમે તેવી એકાંત આત્માની વાતો કરનારો પણ પ્રસંગે આત્માને ભૂલી નિમિત્તોની પ્રબળતાને સ્વીકારે એવી નિમિત્તોની સચોટ અસર અનુભવાય છે.
આ હેતુથી જ શુભાશુભ દ્રવ્યોના વિવેક માટે પદાર્થોનું વિજ્ઞાન જણાવનારાં વિવિધ શાસ્ત્રો, ક્ષેત્રના શુભાશુભપણાને જણાવનારાં શિલ્પાદિનાં શાસ્ત્રો, કાળની શુભાશુભતાને જણાવનારા જ્યોતિષાદિના ગ્રંથો અને ભાવની શુદ્ધિ-અશુદ્ધિનો વિવેક જણાવનારાં માનસવિજ્ઞાન આદિનાં વિવિધ શાસ્ત્રો સદાને માટે જીવનમાં ઉપયોગી નીવડ્યાં છે. એની ઉપેક્ષા જેટલા અંશે થાય તેટલાં અંશે તે ચોક્કસ હાનિ કરે છે. આ હકિકત સ્પષ્ટ સમજાય એ રીતે તે તે સ્થળે ટીપ્પણો લખીને પણ તેને અધિક સ્પષ્ટ કરી છે. આ ઉદ્દેશથી જ દીક્ષા જેવી પવિત્ર વસ્તુને આત્મોપકારક બનાવવા માટે શુભ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિ નિમિત્તોનો યોગ મેળવવાના વિષયમાં ગ્રંથકારે ભાર મૂક્યો છે. શક્ય હોય ત્યાં સુધી સૌ અનુમોદના કરે અને પ્રસન્નતા અનુભવે એ રીતે દીક્ષા કરવી જોઈએ. ત્યાં સુધી કે અમારી પળાવીને કે આરંભસમારંભ અટકાવીને એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય પશુ-પક્ષી સુધીનું પણ રક્ષણ કરવું જોઈએ. લૌકિક-લોકોત્તર સર્વ શુભપ્રસંગોમાં ઉત્તમ અલંકાર-આભૂષણાદિ પહેરવાં, મંગળ વાજિંત્રો વગડાવવાં, શ્રેષ્ઠ ભોજન જમવાં-જમાડવાં, બીજાઓનાં