________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
જ્ઞાનાચારાદિના આચારોથી વિપરીત વર્તન કરવારૂપે સેવેલા જે જે અતિચાર થયા હોય, તેનું ગુરુ ભગવંતની આગળ આલોચના (= યથાર્થરૂપે જણાવવું) અને ગુરુએ આપેલી આલોચના - પ્રતિક્રમણ વગેરે પ્રાયશ્ચિત્તોને કરવાં તે સાપેક્ષ યતિધર્મ છે. આલોચનાનો વિધિ પહેલા ભાગમાં કહ્યો છે.
૨૧૦
અહીં એ સમજવાનું છે કે (જેનું સ્વરૂપ આગળ કહેવાશે તે) પુલાક અને પ્રતિસેવાકુશીલ મૂળ-ઉત્તર બંને ગુણના વિરાધક હોય છે. બકુશ માત્ર ઉત્તરગુણનો વિરાધક હોય છે. એ સિવાયના કષાયકુશીલ વગેરે દોષવાળા હોવા છતાં મૂળગુણઉત્તરગુણના વિરાધક નથી.
-
અવસરપ્રાપ્ત પુલાક વગેરે સાધુઓનું સ્વરૂપ જણાવે છે - મિથ્યાત્વ, ત્રણવેદ, હાસ્ય-રતિ-અરતિ-ભય-શોક અને દુર્ગંછા એ હાસ્યાદિ છ તથા ક્રોધાદિ ચાર કષાયો – આ ચૌદ અત્યંતર ગ્રંથ(બંધનો) કહેવાય છે. એ ચૌદ અત્યંતર અને ભૂમિ, મકાનો, ધન-ધાન્ય, મિત્રો-જ્ઞાતિજનો, વાહનો, શયનો, આસનો, દાસ, દાસીઓ અને કુષ્ય એટલે શેષ રાચરચિલું-ધરવખરી એ દસ બાહ્ય ગ્રંથોથી છૂટેલા (નિર્ગત) હોવાથી સાધુઓને નિગ્રંથો કહેવાય છે.
સાધુઓ પાંચ પ્રકારના કહ્યા છે. (૧) પુલાક, (૨) બકુશ, (૩) કુશીલ, (૪) નિગ્રંથ, (૫) સ્નાતક. એ પ્રત્યેકના બે-બે પ્રકારો છે. જો કે એ પાંચેને ચારિત્રનો સામાન્યતયા તો સદ્ભાવ હોય છે, પણ મોહનીયકર્મના ક્ષયોપશમ વગેરેની વિચિત્રતાને યોગે તેઓમાં ભેદો કહ્યા છે. તેમાં (૧) પુલાક : એટલે સત્ત્વ વિનાનું - ચોખા વિનાનાં ફોતરાં વગેરે અસાર ધાન્યને.જેમ પુલાક (પલાલ) કહેવાય છે, તેમ અસાર ચારિત્ર જે સાધુને હોય તેને પણ પુલાકના જેવો હોવાથી ‘પુલાક' કહેલો છે. તપ અને શ્રુતની આરાધનાથી પ્રગટેલી સંઘ વગેરેના કોઈ પ્રયોજને લશ્કરથી યુક્ત ચક્રવર્તી વગેરેને પણ ચરી નાખવામાં સમર્થ એવી પોતાની લબ્ધિથી આજીવિકાને ચલાવવા માટે જ્ઞાનાદિ ગુણોમાં (ચારિત્રમાં) અતિચારો લગાડવાથી જે સંયમને અસાર કરી દે, તે ફોતરાંના જેવા નિઃસાર ચારિત્રવાળો સાધુ પુલાક કહેવાય છે, તેના બે ભેદ છે.
(૧) લબ્ધિપુલાક અને (૨) પ્રતિસેવા પુલાક. તેમાં ઇન્દ્રના જેવી સમૃદ્ધિ વિકુર્તી શકવાની લબ્ધિવાળો હોય તે લબ્ધિ પુલાક કહેવાય છે. બીજા પ્રતિસેવા પુલાકના જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિંગ અને યથાસૂક્ષ્મ એમ પાંચ ભેદો છે. તેમાં સૂત્રના અક્ષરો (પાઠ)માં સ્ખલના કરે તથા ખૂટતા પાઠને જેમ તેમ મેળવે ઇત્યાદિ અતિચારો દ્વારા જ્ઞાનવિરાધના કરીને આત્માને અસાર કરે તે જ્ઞાનપુલાક.