________________
શ્રમણ ધર્મ
૨૩૩
દસ વર્ષો ગયા પછી અગીયારમા વર્ષે પ્રથમના છ મહિના ચોથભક્ત કે ષષ્ઠભક્ત કરે (અષ્ટમ વગેરે અતિવિકષ્ટ તપ ન કરે) અને પારણે ઉણોદરિતા સહિત આયંબીલ કરે. તે પછીના છ મહિના વિકૃષ્ટ (અષ્ટમભક્ત વગેરે ઉગ્ર) તપ કરે અને મરણ વહેલું ન થઈ જાય એ કારણે પારણે પરિપૂર્ણ (તૃપ્તિ થાય તેમ) આયંબીલ કરે, ઉણોદરિતા ન કરે. બારમા વર્ષે કોટીસહિત પચ્ચખાણથી (વચ્ચે બીજો તપ કર્યા વિના સળંગ) દરરોજ આયંબીલ કરે. અર્થાત્ બારમા વર્ષે દરરોજ ઘટતા ઘટતા આહારથી ઉષ્ણ પાણી સાથે આયંબીલ કરે, તે તપ કોટિસહિત થાય. કારણ કે એક આયંબીલ પૂર્ણ થતાં સાથે જ બીજું આયંબીલ કરવાથી બેના છેડા મળે, માટે તે કોટિસહિત કહેવાય.
આ બારમા વર્ષમાં પ્રતિદિન ભોજન કરવામાં એક એક કવલ ઓછો કરતાં આહાર ત્યાં સુધી ઘટાડે કે છેવટે એક કવલ આહાર વાપરે, પછી એક કવલમાંથી પણ એક-એક દાણો ઘટાડતાં યાવત્ છેલ્લે એક જ દાણો વાપરે. જેમ દીવામાં તેલ અને વાટ બંનેના ક્ષય સાથે થાય તેમ અહીં શરીર અને આયુષ્ય બંનેનો ક્ષય એક સાથે થવો જોઈએ, માટે આયુષ્ય ભોગવાતું જાય તેમ તેમ શરીરને એ રીતે ઘસતો જાય કે યાવત્ છેલ્લે શરીર પણ પૂર્ણ ઘસાઈ જાય. આ બારમા વર્ષના છેલ્લા ચાર મહિનામાં સંલેખના કરનારો એકાંતરે દિવસે તેલનો કોગળો ચિરકાલ પર્યંત મુખમાં ભરી રાખે, (ગળી ન જાય) પછી શ્લેષ્મની કુંડીની ભસ્મમાં તે કોગળો ઘૂંકીને મુખને ઉષ્ણ પાણીથી શુદ્ધ કરે, જો એ રીતે તેલનો કોગળો ન કરે તો વાયુથી સુકાઈ જવાથી મુખ (જડબાં) બંધ થઈ જતાં સંભવ છે કે છેલ્લે સમયે શ્રીનસ્કારમંત્રનું ઉચ્ચારણ પણ ન થઈ શકે. આમ આ પરિપાટીથી અનુક્રમે બાર વર્ષ સુધીની ઉત્કૃષ્ટ સંખના જાણવી. મધ્યમ સંલેખના: ઉત્કૃષ્ટની જેમ મધ્યમસંલેખના બાર મહિના સુધી કરવી. જઘન્ય સંલેખના : ઉત્કૃષ્ટની જેમ જઘન્ય સંલેખના પણ બાર પખવાડીયા સુધી કરવી.
શરીરની સંખના ન કરવાથી માંસ વગેરે ધાતુઓ એક સાથે ક્ષીણ થતાં મરણકાલે આર્તધ્યાન થાય અને ઉપરોક્ત વિધિપૂર્વક ક્રમશ: થોડા થોડા ધાતુઓ ક્ષીણ કરવાથી સંસારરૂપી વૃક્ષનું બીજભૂત આર્તધ્યાન ન થાય, એ કારણે સંલેખના કરવી યુક્તિયુક્ત છે.
આ સંલેખના આત્મવધનું નિમિત્ત નથી કારણ કે વધનું લક્ષણ એમાં ઘટતું નથી. પ્રમાદને (અજ્ઞાન-મોહાદિને) યોગે કરાતો વધ સ્વરૂપે નિયમા રાગ (ઢષ) વગેરે દોષોથી પૂર્ણ અને જિનાજ્ઞા વિરુદ્ધ હોય અર્થાત્ શાસ્ત્રવિરુદ્ધ હોય તેને વધ કહેવાય. અને સંલેખનામાં આવું નથી.