________________
૨૫૨
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
-
હવે યથાલંદિકનું સ્વરૂપ કહેવાય છે – શાસ્ત્રમાં “લન્દ’નો અર્થ કાળ કહ્યો છે. એ કાળ જઘન્યાદિ ત્રણ પ્રકારનો છે. તેમાં આ કલ્પવાળાને જઘન્ય કાળ પાણીથી ભિંજાયેલો હાથ જેટલાં સમયમાં સુકાય તેટલો કહેલો છે. આ કલ્પવાળાને પચ્ચક્ખાણ કે અમુક અમુક નિયમો આટલો જઘન્યકાળ વિશેષતયા ઉપયોગી છે. ઉત્કૃષ્ટકાળ પૂર્વકોડવર્ષ પ્રમાણ જાણવો. કારણ કે ઉત્કૃષ્ટથી આ ચારિત્ર આટલા કાળ સુધી જ હોય છે. એ બેની વચ્ચેનો કાળ મધ્યમ જાણવો. અન્યથા એક સમય એ જઘન્ય અને સાગરોપમાદિ એથી પણ મોટા કાળ કહી શકાય, પણ એ અહીં ઉપયોગી નથી. એક વીથિમાં (ક્રમમાં) પાંચ જ અહોરાત્ર ભિક્ષાર્થે ફરતા હોવાથી (ઉત્કૃષ્ટ) યથાલંદ તેટલો (પાંચ દિવસનો) થાય અને તેઓનો ગણ પાંચ પુરુષોનો હોય, એ તેઓનું ઉત્કૃષ્ટ પ્રમાણ સમજવું. યથાલન્દિકની સર્વ મર્યાદા જિનકલ્પવાળાના સરખી જ સમજવી. માત્ર સૂત્ર-ભિક્ષા અને માસકલ્પમાં ભિન્નતા છે. યથાલંદિકો બે પ્રકારના છે. એક ગચ્છથી પ્રતિબદ્ધ અને બીજા અપ્રતિબદ્ધ, તે પ્રત્યેકના પણ જિન અને સ્થવિર એ બે-બે ભેદો છે, તેમાં જેઓ યથાલન્દિક કલ્પ પછી જિનકલ્પ સ્વીકારે તે જિન અને ગચ્છનો આશ્રય લે તે સ્થવિરો જાણવા. જેને અર્થજ્ઞાન દેશથી બાકી હોય તો તે પૂર્ણ કરવા પુન: ગચ્છનો આશ્રય લે. અન્યથા જિનકલ્પિક બનેં.
લગ્નબળ આદિ શુભ હોવાથી મુહૂર્ત સારૂ હોય અને બીજું શુભ મુહૂર્ત દૂર હોય તો અર્થજ્ઞાન સંપૂર્ણ કર્યા વિના કલ્પ સ્વીકારનારને અર્થજ્ઞાન ન્યૂન હોય તો ગચ્છમાં રહેલા આચાર્ય પાસે ભણવાનું હોવાથી ગચ્છપ્રતિબદ્ધ રહેવું પડે છે, અર્થજ્ઞાન પૂર્ણ થયા બાદ ગચ્છથી અલગ વિચ૨વાનું હોવાથી ગચ્છ અપ્રતિબદ્ધ હોય છે. (આ વિષયમાં વિશેષ પંચવસ્તુથી જાણી લેવું)
ભિક્ષાના વિષયમાં ભિન્નતા એ છે કે - બંને પ્રકારના યથાલર્જિકો પણ ઋતુબદ્ધકાળમાં મોટા ગામ વગેરે જે ક્ષેત્રમાં રહ્યા હોય તે ક્ષેત્રમાં ઘરોની પંક્તિઓરૂપ છ શેરીઓની કલ્પના કરીને એક એક શેરીમાં પાંચ-પાંચ દિવસ ભિક્ષા માટે ફરે અને ત્યાં જ રહે, એ રીતે એક ગામમાં છ શેરીઓમાં ૧ માસકલ્પ પૂર્ણ થાય. ગામ એવું મોટું ન હોય તો નજીક નજીકનાં છ ગામોમાં પાંચ પાંચ દિવસ માસકલ્પ પૂર્ણ કરે.
જે યથાલંદિક ગચ્છપ્રતિબદ્ધ (અર્થાત્ જ્ઞાન માટે આચાર્ય સાથે પ્રતિબદ્ધ) હોય તેઓને તો પોતે રહેલા હોય તે ક્ષેત્રથી એક કોસ અને એક યોજન (પાંચ કોસ) સુધી આચાર્યનો અવગ્રહ ગણાય. ત્યાંથી મળે તે વસ્તુ આચાર્યની ગણાય. ગચ્છથી અપ્રતિબદ્ધને તો જિનકલ્પની પેઠે ક્ષેત્રનો અવગ્રહ હોય જ નહિ.