________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
(૩) કુશીલ : મૂળ-ઉત્તરગુણોની વિરાધનાથી અથવા સંજ્વલન કષાયોના ઉદયથી જેનું શીલ એટલે આચારો કુત્સિત હોય તે કુશીલ કહેવાય. તેના પણ આસેવનાકુશીલ અને કષાયકુશીલ એમ બે પ્રકારો છે. તેમાં સંયમથી વિપરીત આચરણા કરનારો તે આસેવના કુશીલ અને સંજ્વલન કષાયવાળો તે કષાયકુશીલ. તે બંનેના પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને યથાસૂક્ષ્મ એમ પાંચ-પાંચ પ્રકારો છે.
૨૧૨
પોત-પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ ગુણથી આજીવિકા મેળવનારો હોય તે અનુક્રમે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ પ્રતિસેવાવાળો કહેવાય છે. (બીજા આચાર્યો તો ચોથા તપને બદલે વેશ કહે છે.) આ ‘તપસ્વી છે, જ્ઞાની છે, શ્રદ્ધાળુ છે' ઇત્યાદિ લોકના મુખે સ્વપ્રશંસા સાંભળીને ખુશ થાય તે યથાસૂક્ષ્મકુશીલ જાણવો.
કષાયકુશીલ પણ પાંચ પ્રકારનો છે, પોતાના જ્ઞાનને, દર્શનને અને તપને જે ક્રોધ વગેરે ચાર સંજ્વલન કષાયોને વશ થઈને તે તે ક્રોધાદિના વિષયમાં જ્ઞાનાદિને વાપરે (અર્થાત્ જ્ઞાનાદિથી ક્રોધાદિ કરે), તેને અનુક્રમે જ્ઞાન, દર્શન અને તપ’કુશીલ જાણવો. જે કોઈને પણ શાપ દે તે ચારિત્રકુશીલ અને મનથી માત્ર દ્વેષ વગેરે કરે તે યથાસૂક્ષ્મકુશીલ જાણવો.
(૪) નિગ્રંથ : મોહનીય કર્મરૂપ ગ્રંથીથી (બંધનથી) નીકળેલો (છૂટેલો) તે નિગ્રંથ કહેવાય. તેના ઉપશાંતમોહનિગ્રંથ અને ક્ષીણમોહનિગ્રંથ એમ બે ભેદો છે. તે બેના પણ આ પ્રમાણે પાંચ-પાંચ પ્રકારો છે. તેમાં’(૧) પ્રથમસમયનિગ્રંથ, (૨) અપ્રથમસમય નિગ્રંથ, (૩) ચરમસમય નિગ્રંથ, (૪) અચરમસમય નિગ્રંથ, (૫) યથાસૂક્ષ્મ નિગ્રંથ.
તેમાં શ્રેણીના અંતર્મુહૂર્તના પહેલા સમયે રહેલો, પહેલા સિવાયના કોઈપણ સમયમાં વર્તતો, શ્રેણીની સમાપ્તિના અંતિમસમયે વર્તતો અને અંતિમસમય પહેલાના કોઈપણ સમયે વર્તતો, એમ પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી એ બે બે ભેદો ગણતાં ચાર ભેદો સ્પષ્ટ છે. અને પહેલા છેલ્લા વગેરે સમયની વિવક્ષા વિના જ શ્રેણિના સર્વ સમયો પૈકી કોઈપણ સમયમાં વર્તતો તે યથાસૂક્ષ્મ. એ બંન્ને નિગ્રંથોના (પૂર્વાનુપૂર્વીએ અને પશ્ચાનુપૂર્વીએ તે તે સમયોની) વિવક્ષાથી (અને વિવાક્ષા વિના) પાંચ ભેદો છે. તેમાં શ્રપકશ્રેણી માંડનારા નિગ્રંથો ઉત્કૃષ્ટથી એક સમયે એકસો આઠ અને જઘન્યથી એક, બે વગેરે હોય. અને ઉપશમશ્રેણી માંડનારા ઉત્કૃષ્ટથી ૫૪ અને જઘન્યથી એક-બે વગેરે હોય. ભિન્ન-ભિન્ન સમયે પ્રવિષ્ટ શ્રેણિમાં વર્તતા સર્વ ક્ષીણમોહવાળા ઉત્કૃષ્ટ શતપૃથ (બસોથી નવસો) અને
ઉપશાંતમોહવાળા સંખ્યાતા હોય.