________________
શ્રમણ ધર્મ
૨૧૧
મિથ્યાદર્શનીઓની પ્રશંસા વગેરે કરીને દર્શનને વિરાધનારો દર્શન પુલાક. મૂળગુણઉત્તરગુણની વિરાધના કરે તે ચારિત્રપુલાક. શાસ્ત્રોક્ત મુનિવેશમાં વધારો (ભેદ) કરે કે વિના કારણે અન્ય (સાધુઓના જેવો) વેશ કરે તે લિંગપુલાક. કંઈક માત્ર મનના પ્રમાદથી અથવા સાધુને અકથ્ય પદાર્થોને ગ્રહણ કરે-ભોગવે તે યથાસુક્ષ્મપુલાક જાણવો. (બીજી રીતે અન્યત્ર કહ્યું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વેશમાં જે થોડી થોડી વિરાધના કરે તેને જ યથાસૂક્ષ્મપુલાક સમજવો.)
(૨) બકુશ : બકુશ એટલે શબલ, વિચિત્ર વગેરે. અર્થાત્ કંઈક દોષવાળું અને કંઈક નિર્દોષ એવું કાબરચિત્રે એટલે કે અતિચારવાળા ચારિત્રને બકુશ કહેલું છે, અને એવા ચારિત્રવાળો હોવાથી તે સાધુને પણ બકુશ કહેવાય છે, અર્થાત્ અતિચારયુક્ત શુદ્ધાશુદ્ધ-મિશ્ર ચારિત્રવાળો. આ બકુશ ઉપકરણબકુશ અને શરીરબકુશ એમ બે પ્રકારનો હોય છે. તેમાં અકાળે (વિના કારણે) ચોલપટ્ટો, અંદર (ઓઢવા)નો કપડો વગેરે વસ્ત્રોને ધોનારો, બાહ્યશૌચમાં આસક્તિ-પ્રીતિવાળો, શોભાને માટે પાત્રા-દંડો વગેરેને પણ તેલ વગેરેથી સુશોભિત-ઉજળાં કરીને (અથવા રંગીને) વાપરનારો ઉપકરણ બકુશ. તથા પ્રગટ પણ (ગૃહસ્થાદિને જોતાં) શરીરની શોભા (સુખ) માટે હાથ-પગ ધોવા, મેલ ઉતારવો વગેરે અસ–વૃત્તિ કરનારો શરીર બકુશ જાણવો. આ બંને પ્રકારના બકુશના આભોગ, અનાભોગ, સંવૃત્ત, અસંવૃત્ત અને સૂક્ષ્મ એમ પાંચ-પાંચ ભેદો છે. (૧) “શરીર અને ઉપધિ બંનેની શોભા (સાધુઓને) અકરણીય છે” એ પ્રકારનું જ્ઞાન હોવા છતાં જે તેવી શોભાને કરે (અર્થાત્ સમજીને ભૂલ કરનારો) તે આભોગ વિપર્યાસ બકુશ. (૨) તે બંન્ને પ્રકારની શોભાને (અકરણીય માનવા છતાં) સહસા (ઇરાદા વિના) કરનારો અનાભોગબકુશ. (૩) જેના દોષો લોકમાં અપ્રગટ રહે તે સંવૃત્તબકુશ. (૪) પ્રગટ રીતે ભૂલ કરનારો (નિષ્ફર-નિર્લજ્જ) તે અસંવૃત્તબકુશ. (૫) નેત્રનો મેલ દૂર કરવો વગેરે કંઈક માત્ર (સૂક્ષ્મ) ભૂલ કરનારો તે સૂક્ષ્મબકુશ. એ સર્વ બકુશો સામાન્યતયાં વસ્ત્ર-પાત્રાદિ ઋદ્ધિની અને પ્રશંસા-યશ આદિની ઇચ્છાવાળા, બાહ્યસુખમાં ગૌરવ માની તેમાં આદંર (આશ્રય) કરનારા, અવિવિક્ત પરિવારવાળા અને (દીક્ષા પર્યાયનો છેદ કરવારૂપ) છેદ પ્રાયશ્ચિત્તને યોગ્ય સદોષ-નિર્દોષ (શબલ) ચારિત્રવાળા સમજવા. તેમાં “અવિવિક્ત' એટલે અસંયમથી દૂર નહિ રહેનારા અર્થાત્ સમુદ્રફીણ વગેરેથી જંઘાને ઘસનારા, તેલ વગેરેથી શરીરને ચોળનારા, કાતરથી કેશને કાપનારા, એવા શિષ્યાદિ જેને હોય તે “અવિવિક્ત પરિવારવાળા જાણવા.