Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૨૧૭
શ્રમણ ધર્મ
પ્રકાર છે તેનો જય કરવો તે સાપેક્ષ યતિ ધર્મ છે.
(૧) ક્ષુધા : ભૂખથી પીડાવા છતાં શક્તિમાન્ મુનિ એષણા સમિતિમાં દોષ ન સેવે, પરંતુ દીનતા-વિહ્વળતા વિના જ માત્ર સંયમરૂપી દેહના પાલન માટે અપ્રમત્તપણે આહારાદિ માટે ફરે.
(૨) તૃષા : વિહાર કરતાં માર્ગે તૃષા(તરસ)થી પીડા થવા છતાં મુનિ દીનતા ન કરે, ઠંડા (કે સચિત્ત) પાણીની ઇચ્છા ન કરે. (તૃષા પરીષહને સહન કરે.) મળે તો અચિત્ત જ પાણી ગ્રહણ કરે.
(૩) શીત : ઉત્તમ મુનિ ઠંડીથી પરાભવ પામવા છતાં વૃક્ષોની છાલ કે બીજાં સૂત્રાઉ વગેરે વસ્ત્રોના અભાવમાં પણ અકલ્પ્ય વસ્ત્રને ન સ્વીકારે અને અગ્નિની સહાય પણ ન લે.
(૪) ઉષ્ણ : ગરમીથી પીડાવા છતાં મુનિ તેની નિંદા ન કરે, અકળામણ ન અનુભવે. છાયાનું સ્મરણ, વિંજણો, પંખો કે હવા વગેરેનો ઉપયોગ અને શરીરે પાણી છાંટવું વગેરે શીતલ ઉપચારો પણ ન કરે.
(૫) મચ્છર અને ડાંસ : મચ્છરાદિ કરડવા છતાં ‘સર્વ જીવોને આહાર પ્રિય છે' એમ સમજતો મુનિ તેની ઉપર દ્વેષ કે ત્રાસ”ન કરે, ઉડાડે નહિ, ઉપેક્ષા કરે અને પીડાને સમભાવે સહન કરે.
(૬) અચેલ (નગ્નતા) : જીર્ણ અને તુચ્છ વસ્ત્રો પહે૨વા છતાં મુનિ ‘મારે વસ્ત્ર નથી અથવા ખરાબ છે અથવા સારું છે’ ઇત્યાદિ વસ્ત્રના રાગ-દ્વેષમાં મુંઝાય નહિ, પણ લાભાલાભમાં ક્ષયોપશમની વિચિત્રતાનો જાણ, અચેલ પરીસહને સહન કરે, કુવિકલ્પો ન કરે..
(૭) અતિ : ધર્મમાં આનંદ માનતો મુનિ આવી પડતા કષ્ટોમાં અતિ - ખેદ ન કરે, કિન્તુ ચિત્તની સ્વસ્થતાનો અનુભવ કરે.
(૮) સ્ત્રીઓ : ‘દુર્ધ્યાનના કારણરૂપ અને મોક્ષમાં પ્રતિબંધક સ્ત્રીનો વિચાર માત્ર કરવાથી પણ ધર્મનો નાશ થાય છે' એમ સમજતો મુનિ સ્ત્રીને ભોગવવાનો વિચાર પણ ન કરે.
(૯) વિહાર : કોઈ ગામ વગેરેમાં સ્થિ૨વાસ ન કરતાં પ્રતિબંધથી મુક્ત મુનિ (ગચ્છવાસને પૂર્ણ કરીને પડિમા વગેરે) વિવિધ અભિગ્રહો કરીને એકલો પણ ફરે.