________________
શ્રમણ ધર્મ
૧૯૧
એક પ્રદેશમાં અનંતીવાર આ જીવ જન્મમરણ કરી ચૂક્યો છે તે વિચારવું. (સમગ્ર લોકનું સંપૂર્ણ સ્વરૂપ અન્ય ગ્રંથોથી જાણી લેવું.)
(૧૧) બોધિદુર્લભભાવના અનંતા પુદ્ગલપરાવર્તી સુધી નિગોદાદિ યોનિઓમાં જન્મ-મરણ વગેરેનાં દુ:ખોને ભોગવતાં પ્રાણીને (કર્મોની લઘુતારૂપ) પુણ્યથી સ્થાવરપણું મટીને ત્રસપણું અને પુણ્ય વધતાં કોઈવાર પંચેન્દ્રિય તિર્યચપણું પણ મળે છે. પુનઃ કર્મોનો હ્રાસ થંવાથી મનુષ્યપણું, કોઈવાર આર્યદેશ, તેમાં ય કોઈવાર ઉત્તમજાતિ (-કુળ)માં જન્મ, તેમાં પણ પાંચ ઇન્દ્રિયોની પટુતાવાળું શરીર અને દીર્ઘ આયુષ્ય પણ પ્રાપ્ત થાય છે, તેનાથી વિશેષ પુણ્યનો યોગ અને કર્મોની લઘુતા થતાં શાસ્ત્રશ્રવણ કરાવનાર ગુરુનો ભેટો પણ થાય છે. પરંતુ તત્ત્વના નિશ્ચયરૂપ સમકિતરત્ન પ્રગટ થવું અતીવ દુર્લભ છે. જેટલું ચક્રવર્તીપણું અને ઇન્દ્રપણું દુર્લભ નથી, તેટલું જિનેશ્વર ભગવંતના વચનોની અવિહડ શ્રદ્ધારૂપ સમ્યગુદર્શન દુર્લભ છે. (આજ સુધી ભવભ્રમણ ચાલુ દેખાય છે. તેથી (વ્યવહારનયથી) સમજાય તેવું છે કે સર્વજીવોએ સર્વ સંયોગો (ભાવો-અવસ્થાઓ) પૂર્વે અનંતીવાર પ્રાપ્ત કરેલા છે. માત્ર એક સમકિત એણે પ્રાપ્ત કર્યું નથી.)
(૧૨) ધર્મકથનની સુંદરતા : શ્રી જિનેશ્વર ભગવંતોએ એવો સુંદર ધર્મ કહ્યો છે કે જેનો આશ્રય લેનારો આત્મા નિચ્ચે ભવસમુદ્રમાં ભમતો નથી. ધર્મકથનની સુંદરતા દસ યતિધર્મના કથનમાં છે. અને તેના દ્વારા દસ યતિધર્મને કહેનારા તીર્થંકર પરમાત્માઓની વિશિષ્ટતાનું જ્ઞાન થાય છે. અને આવો સુંદર ધર્મ કહ્યો છે માટે “તે જ ખરેખરા અરિહંત” છે. આવો સભાવ (આત્મામાં) પ્રગટે છે. અને તેના દ્વારા અન્ય ધર્મોમાં અસુંદરતા છે તેવો આત્મામાં નિશ્ચય થાય છે. જગતમાં જે કંઈ સુવ્યવસ્થિતતા ચાલે છે તે ધર્મનો પ્રભાવ છે. શ્રી અરિહંત પરમાત્માઓએ બતાવેલો ધર્મ જ સત્ય છે. એમ સમજીને બુદ્ધિમાન પુરુષો સર્વકર્મના ક્ષયના નિમિત્તે એવા ધર્મમાં દૃઢ આદરવાળા બને છે, તે આ ભાવનાનું ફળ છે. આ પ્રમાણે બાર ભાવનાઓ જણાવી.
(૫) બાર પ્રતિમાઓ ભિન્ન-ભિન્ન પ્રકારના અભિગ્રહરૂપ પ્રતિજ્ઞાઓને પ્રતિમા કહેવાય છે. તે (૧) એક માસની, (૨) બે માસની, (૩) ત્રણ માસની, (૪) ચાર માસની, (૫) પાંચ માસની, (૬) છ માસની, (૭) સાત માસની, (૮) પહેલા સાત અહોરાત્રની, (૮) બીજા સાત અહોરાત્રની, (૧૦) ત્રીજા સાત અહોરાત્રની, (૧૧) એક અહોરાત્રની, (૧૨) એક રાત્રિની, એમ બાર છે.