________________
૧૯૪
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ આત્મામાં પ્રગટે. રાત્રિએ આ પ્રતિમાનું પાલન કર્યા બાદ પછીના ત્રણ દિવસ ઉપવાસ કરવાના હોવાથી ચાર દિવસે પૂર્ણ થાય. આમ બાર પ્રતિમાઓ કહીં.
() પાંચ ઇન્દ્રિયોનો નિરોધ: સ્પર્શન,રસના, ઘાણ, ચક્ષુ અને શ્રવણેન્દ્રિય આ પાંચ ઇન્દ્રિયોને પોત-પોતાના વિષયોમાં જતી અટકાવવી. તેના ઇષ્ટ વિષયોમાં રાગ અને અનિષ્ટમાં દ્વેષ ન કરવો.
(૭) પચીસ પ્રતિલેખના વસ્ત્ર-પાત્રાદિની પચીસ પડિલેહણાઓ પૂર્વે (સવારના પ્રતિલેખનમાં) જણાવેલા વિધિપૂર્વક કરવી.
(૮) ત્રણ ગુપ્તિઓ : જેનાથી આત્માની રક્ષા થાય તે ગુપ્તિ. મન-વચનકાયાના યોગોનો નિગ્રહ કરવારૂપ ગુપ્તિ ત્રણ પ્રકારની છે. (૧) મનોગુપ્તિઃ તે ત્રણ પ્રકારની છે. પ્રથમ આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં કારણભૂત મનની કલ્પનાઓની પરંપરાનો વિયોગ, બીજી ધર્મધ્યાનમાં કારણભૂત, શાસ્ત્રાનુસારિણી, પરલોકમાં હિત કરનારી, મનની મધ્યસ્થપરિણતિ કેળવવી તે અને ત્રીજી મનના કુશળઅકુશળ (શુભાશુભ) સર્વ વિકલ્પોના ત્યાગપૂર્વક ચૌદમા ગુણસ્થાનકે યોગનિરોધની અવસ્થાની આત્માનંદરૂ૫ આત્મપરિણતિ. (૨) વચનગુપ્તિ : બે પ્રકારની છે. મુખની, નેત્રોની, અંગુલીની, વગેરે સંજ્ઞાઓના ત્યાગપૂર્વક વચનથી મૌન કરવું તે પહેલી વચનગુપ્તિ અને વાચના લેવી, પૃચ્છના કરવી, બીજાએ પૂછેલાનો ઉત્તર આપવો વગેરે સંયમના કારણે મુખે મુખવસ્ત્રિકા રાખીને શાસ્ત્રથી અવિરુદ્ધ વચન બોલનારને વાણીના કાબૂરૂપ બીજી વચનગુપ્તિ જાણવી. (૩) કાયગુપ્તિ : બે પ્રકારની છે. એક સર્વથા કાયચેષ્ટાનો ત્યાગ અને બીજી આગમાનુસારે ચેષ્ટાનો નિયમ, તેમાં પરીસહ-ઉપસર્ગાદિ પ્રસંગે કે તે વિના પણ કાયોત્સર્ગ વગેરેથી કાયાને નિશ્ચલ કરવી, અથવા સર્વયોગોના નિરોધ વખતે કાયચેષ્ટાનો સર્વથા નિરોધ કરવો તે પહેલી અને ગુરુને પૂછીને શરીર, સંથારો, ભૂમિ વગેરેનું પડિલેહણ-પ્રમાર્જન કરવું વગેરે શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરનાર સાધુને શયન કરવું, બેસવું, વગેરે કરવાનું કહેલું હોવાથી તે રીતે સુવું, બેસવું, લેવું, મૂકવું, વગેરે કાર્યોમાં સ્વચ્છન્દતાનો ત્યાગ કરીને શરીરથી નિયત પ્રવૃત્તિ કરવી તે બીજી કાયગુપ્તિ.
(૯) અભિગ્રહો: દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ વિષયક ચાર પ્રકારની પ્રતિજ્ઞાઓ કરવી. આ રીતે કરણસિત્તરી કહેવાઈ. કરણસિત્તરીમાં આ પ્રમાણે વિવેક છે - એષણા સમિતિમાં પિંડવિશુદ્ધિ આવી જવા છતાં કરણસિત્તરીના ભેદોમાં પિંડવિશુદ્ધિની પ્રધાનતા જણાવવા તેનું અલગ વિધાન કર્યું છે.