Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
ઉપદેશપદમાં કહ્યું છે કે ભાવસાધુનું મુખ્ય લિંગ ગુરુકુલવાસ જ છે. શ્રીપંચાશકજીમાં પણ કહ્યું છે કે ગુરુકુલવાસના યોગે માષતુ મુનિ જેવા જડ શિષ્યો પણ રત્નત્રયીના ભાજન બની મોક્ષે ગયા છે અને ગુરુકુલવાસના અભાવમાં દુષ્કર ક્રિયા કરનારાઓને પણ શ્રી પંચાશકજીમાં પ્રાય: ગ્રંથીભેદ વિનાના (મિથ્યાદ્દષ્ટિ) માન્યા છે. ગુરુકુલવાસને મૂકી જેઓ શુદ્ધ ચારિત્ર પાળવાના ઇરાદે એકાકી વિચરે છે તે કાલાંતરે મહાદોષના ભાગી થાય છે જ્યારે ગચ્છમાં રહેવાથી થોડા દોષોનો સંભવ હોવા છતાં જ્ઞાનાદિ ગુણોનો લાભ થાય છે. એકાકી વિચરનારા તેનાથી વંચિત રહી જાય છે.
પ્રસંગોપાત્ત ધર્મરત્ન પ્રકરણમાં ગાથા-૭૮-૭૯માં કહેલા ભાવસાધુના લિંગો જણાવીએ છીએ.
(૧) માર્ગાનુસા૨ી ક્રિયા-પ્રતિલેખનાદિ ક્રિયા મોક્ષમાર્ગને અનુસરતી હોય, (૨) શ્રદ્ધાવાનૢ - ધર્મ કરવામાં દૃઢ શ્રદ્ધાવાળી હોય, (૩) સરળ હોય અર્થાત્ પ્રજ્ઞાપનીય (વાળ્યો વળે તેવો) હોય, (૪) શાસ્ત્રોક્ત ક્રિયાઓમાં અપ્રમાદી હોય, (૫) તપ વગેરે શક્ય અનુષ્ઠાનોમાં શક્તિને ન છુપાવે, (૬) ગુણાનુરાગી હોય, (૭) ગુર્વજ્ઞાની આરાધના કરનાર હોય.
૨૭
આ વિષયમાં વિશેષ જિજ્ઞાસુઓએ ધર્મરત્ન પ્રકરણને અવગાહવું. દશવૈકાલિક સૂત્રની ટીકામાં પણ ગુરુકુલવાસની મહત્તા બતાવી, ગુર્વાજ્ઞાની અવહેલના ક૨ના૨ સંસારમાં અનંતકાલ સુધી પરિભ્રમણ કરે છે, એવું ભારપૂર્વક જણાવ્યું છે.
માટે જ પંચાશકજીમાં કહ્યું છે કે મૂળગુણોથી યુક્ત હોવાં છતાં બીજા એક-બે વગેરે થોડા સામાન્યગુણોથી રહિત હોય તેવા પણ ગુરુને છોડવા નહિં. આ વિષયમાં ચંઠરુદ્રાચાર્યનું ઉદાહરણ જાણવું.
વળી આ પાંચમા આરામાં બકુશ-કુશીલ મુનિઓથી શાસન ચાલવાનું છે. તેઓના ચારિત્રમાં આંશિકદોષો નિયમા સમ્ભવિત છે તો એ રીતે તો બધા જ ગુરુને છોડી દેવાની આપત્તિ આવશે, પણ તેવું નથી. આથી જ ગાઢપ્રમાદી પણ શૈલકગુરુની સેવા મહામુનિ શ્રીપંથકે છોડી ન હતી, કારણ કે તેઓ મહાવ્રતમાં અખંડિત હતા.
આમ હોવા છતાં નામથી જે ગુરુ હોય તેવા નામગુરુની સેવાને પણ ગુરુકુલવાસ મનાતો નથી.