Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૭૯ તેમાં સાધ્વીઓને વારક = લઘુનીતિ માટે ઉપયોગી પાત્ર વિશેષ વધારે હોય છે, કારણ કે તેઓને સદા ગૃહસ્થોની વચ્ચે રહેવાનું હોવાથી તે આવશ્યક છે.
હવે ઔપગ્રહિકના ઉત્કૃષ્ટ પ્રકારોનું વર્ણન કરાય છે. અક્ષા = સ્થાપનાચાર્ય માટે ઉપયોગી ચંદનકનાં શરીર વગેરે. સંથારો= (પૂર્વે વર્ષાકાળમાં પાટને બદલે ૨ખાતું) એક સળંગ કાષ્ઠનું પાટીયું અથવા તેવું ન મળે તો (પાટી, લાકડીઓ કે વાંસ વગેરે) અનેક અવયવોને જોડીને બાંધીને) બનાવેલો અનેકાજ્ઞિક સંથારો એમ બે પ્રકારનો સંથારો રાખી શકાય.
પુસ્તક પંચક : ચંડિકા, કચ્છપી, મુષ્ટિકા, સંપુટફલક અને છેદપાટી-છેવાડી એમ પાંચ પ્રકારનાં પુસ્તકો છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે - જાડાઈ – પહોળાઈમાં સમાન-સમચોરસ અને લાંબો-લંબચોરસ આકાર હોય તે. (૧) ચંડિકા કહી છે. બે બાજુ છેડે પાતળો, વચ્ચે પહોળો અને જાડાઈમાં ઓછો હોય તેવા આકારવાળાને (૨) કચ્છપી. ચાર આંગળ લાંબો કે ગોળ આકારવાળો હોય અથવા જે ચારે બાજુ ચાર આંગળ પ્રમાણનો (ચોરસ) હોય તે (૩) મુષ્ટિકા. જેને બે બાજુ કાગળની કે લાકડાની પાટલીઓ હોય તે વેપારીઓને ઉધાર લખવાની પાટી જેવા આકારનો (૪) સંપુટ ફલક. જે થોડાં પાનાં હોવાથી કંઈક ઊંચાઈવાળો હોય, અથવા લાંબો, અથવા ટુંકો, જાડાઈમાં અલ્પ, અને પહોળો હોય તેને આગમજ્ઞપુરુષો (૫) છેવાડીછેદપાટી કહે છે.
ફલક = લખવાનું પાટીયું, જેમાં લખીને ગોખી-ભણી શકાય તે, અથવા કારણે જે ટેકો લેવા માટે હોય, તે વ્યાખ્યાનનું પાટીયું ફલક કહેવાય છે. આ અક્ષ વિગેરે સર્વ વસ્તુઓ ઉત્કૃષ્ટ ઔપગ્રહિક વિભાગમાં જાણવી.'
આ બધા ઉપકરણો જ્ઞાનાદિની ગુણોની સાધનામાં ઉપયોગી થતાં હોય તો જ ઉપકરણો છે. નહીંતર અધિકરણ બને છે. આ વિષયમાં વિશેષ ઓઘનિર્યુક્તિ, પંચવસ્તુ, બૃહત્કલ્પથી જાણી લેવું. ગચ્છની ચિંતા કરનારા ગણાવચ્છેદક વગેરે પાસે તો ઉપર જણાવેલા પ્રમાણથી વધારે પણ હોઈ શકે છે.
વસ્ત્ર વગેરે સર્વ ઉપધિ વર્ષાકાળને અડધો મહિનો બાકી રહે ત્યારે જયણાપૂર્વક ધોવી જોઈએ. આચાર્યની લોકમાં અપકીર્તિ ન થાય માટે અને ગ્લાનાદિને મેલા કપડાંથી અજીર્ણ ન થાય માટે તેઓની ઉપધિ જ્યારે જ્યારે મલિન થાય ત્યારે ત્યારે અન્ય સાધુઓ વારંવાર ધોવે.
વસ્ત્રને ધોવા માટે પહેલા વરસાદનું પહેલું પાણી ગૃહસ્થના પાત્રમાં ઝીલેલું વાપરવાની અનુમતિ છે.