Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૧૩૫
શ્રમણ ધર્મ
વસતિ બહાર જતાં ‘આવસહિ’ કહેવી.
નિસીહિનો વિષય ‘અવગ્રહમાં પ્રવેશ કરવો’ એ છે. અવગ્રહ એટલે ઉપાશ્રય, સ્થાન (કાયોત્સર્ગ) માટે ઉભા રહેવું, દેવનો (જિનમંદિરનો) અવગ્રહ અને ગુરુનો અવગ્રહ (ગુરુના આસનથી સર્વત્ર સાડા ત્રણ હાથ ભૂમિ) વગેરે સમજવું.
પ્રતિક્રમણાદિ આવશ્યક કાર્યો જેણે કરી લીધાં છે, તેવો વિશિષ્ટ સાધુ, ગુરુ આજ્ઞાથી જ્યાં શયન, કાયોત્સર્ગ વગેરે ક્રિયા કરવાની હોય ત્યાં જ નિસીહિ કહે, બીજે સ્થળે નહિ. કારણ કે (શય્યાદિ કરવાની આજ્ઞા હોવાથી તે સિવાયનું અન્ય સર્વ કાર્ય કરવાનો નિષેધ થયો, માટે) નિષેધાર્થક નિસીહિ શબ્દનો પ્રયોગ નિષિદ્ધ કાર્યને અંગે જ જ કરવો જોઈએ. દેવ-ગુરુના અવગ્રહભૂમિમાં પ્રવેશ કરતાં પણ નિસીહિનો પ્રયોગ કરવો જોઈએ.
આ બંને સામાચારીનો વિષય એક જ હોવાથી બંનેનો અર્થ પણ એક જ સમજવો, કારણ કે અવશ્ય કર્તવ્યો કરવા માટે આવસહિ અને અન્ય કાર્યોના નિષેધ માટે નિસીહિ છે. અવશ્ય કરણીયના વિધાન વખતે અકર્ત્તવ્યનો નિષેધ થઈ જ જાય છે. આથી બંને સામાચારીનું એકાર્થિકપણું છે. છતાં શાસ્ત્રમાં બેના નામ ભિન્ન છે. આ આવસહિ અવશ્ય કરણીયની અને નિસીહિ અકરણીયના ત્યાગની પ્રતિજ્ઞારૂપ છે. પ્રતિજ્ઞા પ્રણિધાનસ્વરૂપ છે. એ પ્રણિધાનનું બળ ઘણું છે. એક કાર્ય કરવાનો દૃઢ નિર્ણય કર્યા પછી એમાં આવતા વિઘ્નોને દૂર કરવાનું સામર્થ્ય કર્તામાં પ્રગટે છે. એ જ રીતે અકરણીયના ત્યાગમાં પણ આવતા વિઘ્નનો જય કરવાનું સામર્થ્ય એના પ્રણિધાનથી જ થાય. આમ બંનેના પ્રણિધાન જુદા જુદા થઈ શકે માટે ભિન્ન શબ્દોનો ઉચ્ચાર સૂચવ્યો છે. આથી જ આ બન્નેનો પ્રયોગ ઉપયોગપૂર્વક થવો જરૂરી છે. · ·
(૬) આપૃચ્છા : તથાવિધ વિનયપૂર્વક નાના-મોટા કોઈપણ પ્રયોજને ગુરુને પૂછવું તે આપૃચ્છા સામાચારી કહેવાય છે.
(૭) પ્રતિપૃચ્છા : ગુર્વાદિએ કહેલા કામને, કામ કરતી વખતે પુન: ગુર્વાદિને પૂછવું તે પ્રતિપૃચ્છા. આ પ્રતિકૃચ્છા કરવાનું એ માટે જરૂરી છે કે પૂર્વના કાર્યને સ્થાને અથવા તેની સાથે બીજું કાર્ય ચીંધવાની ગુર્વાદિને ઇચ્છા હોય તો કહી શકે.
(૮) છન્દના : અશન-પાન-વસ્ત્ર-પાત્રાદિ લાવ્યા પછી સર્વ સાધુઓને વિનંતિ કરે કે - હું આ અશનાદિ લાવ્યો છું. તેમાંથી કોઈને પણ એ ઉપયોગી હોય તો