Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૧૭૭
હિતકરનારી ભાષાને સત્ય કહેવાય. અર્થાત્ તે તે વસ્તુસ્વરૂપને જણાવવાની ઇચ્છાથી બોલાતું સંવાદિ (યથાર્થ) વચન. (૨) મૃષાભાષા = સત્યાથી વિપરીત અર્થાત્ વસ્તુસ્વરૂપને સિદ્ધ કરવામાં વિસંવાદિ (અયથાર્થ) વચન. (૩) સત્યામૃષા = સત્ય અને મૃષા ઉભયથી મિશ્રિત (ઉભય સ્વભાવવાળી) ભાષા. (૪) અસત્યા અમૃષા = એ ત્રણેથી વિલક્ષણ, સત્ય નહિ, અસત્ય નહિ અને ઉભય સ્વભાવવાળી પણ નહિ, તેવી ભાષાને (વ્યવહાર ભાષા) વ્યવહારનયથી જાણવી. નિશ્ચયનયથી તો, તે નય ઉપયોગને પ્રમાણભૂત માનતો હોવાથી ઉપયોગપૂર્વક બોલાય તે (૧) સત્યા અને ઉપયોગ રહિત બોલાય તે (૨) અસત્યા. એમ બે જ પ્રકારો પડે છે. આ પણ કથન યુક્તિયુક્ત છે. કારણ કે બોલવામાં જીવનું આરાધકપણું અને વિરાધકપણું એમ બે ભેદો જ રહેલા છે. દેશ આરાધકપણાને અને દેશવિરાધકપણાને શુદ્ધ (નિશ્ચય) નય માનતો નથી. કારણ કે જીવને એક સાથે બે યોગ (નો વ્યાપાર) કે બે ઉપયોગ ઘટતા નથી. જો એમ બંને સાથે માનીએ તો, તેના યોગે કર્મ પણ શબલ (શભાશુભ ઉભય સ્વભાવવાળું) બાંધવાનો પ્રસંગ આવે. (અને એવું કોઈ કર્મ તો છે જ નહિ. જે આઠ કર્મોના ઉત્તરભેદો છે તે તો ક્યાં તો શુભ છે કે ક્યાં તો અશુભ છે. મિશ્ર નથી.) વિશેષ ચર્ચા વિશેષ આવશ્યકમાં કરેલી છે.
ચાર ભાષા પૈકી પ્રથમ સત્યાભાષાના જનપદસત્યાદિ દસ પ્રકારો પૂર્વે કહેવાઈ ગયા છે. તેથી બીજી અસત્યા ભાષાના દસ પ્રકારો કહેવાય છે. (૧) ક્રોધ અસત્ય : ક્રોધથી “દાસ ન હોય તેને દાસ” (કે દાસને પણ ક્રોધથી દાસ) કહેવો, તે ક્રોધથી બોલાયું હોવાથી સત્ય હોય કે અસત્ય હોય તો પણ અસત્ય જ કહેવાય છે. (૨) માન-અસત્ય સ્વામી ન હોવા છતાં પણ માનથી પોતાને બીજાનો સ્વામી કહે છે. (૩) માયા-અસત્ય : બીજાને ઠગવાના આશયથી (માયાથી) બોલાય તે. (૪) લોભ-અસત્ય: લોભથી બોલાય, જેમ કે અલ્પમૂલ્ય પદાર્થને બહુમૂલ્ય કહેવો વગેરે.(૫) પ્રેમ-અસત્ય = પ્રેમથી બોલાય છે. જેમ કે (કામરાગથી) સ્ત્રીને કહેવું કે “હું તારો દાસ છું” વગેરે. (૯) વેષ-અસત્યઃ ‘ષથી બોલાયેલી ભાષા છે. જેમ કે મત્સરી ગુણવાનને પણ “આ નિર્ગુણી છે તેવું કહે વગેરે. (૭) હાસ્ય-અસત્ય : હાંસી-મશ્કરીથી કૃપણને પણ દાતાર કહેવો વગેરે હાસ્યથી બોલાય તે. (૮) ભય-અસત્ય : ચોર વગેરેના ભયથી ગમે તે બોલાય તે. (૯) આખ્યાયિકા-અસત્ય : આખ્યાયિકા = કથા, કોઈ વાત કરતાં ન બન્યું હોય તેવું પણ બોલવું તે. (૧૦) ઉપઘાત-અસત્ય: હૃદયના આઘાતથી બોલાય છે. જેમકે કોઈ ચોર કહે ત્યારે સામે ‘તું ચોર છે' ઇત્યાદિ અસભ્ય બોલવું તે.