Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૭૦
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
ભેદ સમજવો. તેના પણ સંખ્યાની દૃષ્ટિએ “ગણના પ્રમાણ અને લંબાઈ, પહોળાઈ આદિની દૃષ્ટિએ પ્રમાણ પ્રમાણ” એમ બે પ્રકારો છે.
તેમાં ગણના પ્રમાણથી જિનકલ્પિઓને ઔધિક ઉપધિ બાર પ્રકારની, સ્થવિરોને ચૌદ પ્રકારની અને સાધ્વીઓને પચીસ પ્રકારની કહી છે. એથી વધારે જે કાળે જરૂરી કારણે જે જે રાખે-વાપરે તે ઔપગ્રહિક ઉપધિ કહેવાય છે.
(૧) મુખ્ય પાત્ર, (૨) ઝોળી, (૩) પાત્ર સ્થાપન-નીચેનો ગુચ્છો, (૪) પાત્ર કેસરિકા (ચરવળી), (૫) પડલા (૩ થી ૭ હોય), (૯) રજસ્ત્રાણ, (૭) ગુચ્છો (ઉપરનો), (૮-૧૦) એક ઉનની કામળી તથા સૂત્રાઉ બે કપડા, (૧૧) રજોહરણ, (૧૨) મુહપત્તિ. આ બાર પ્રકારની ઔધિક ઉપધિ જિનકલ્પિકને ઉત્કૃષ્ટથી હોય. જઘન્યથી બે પણ હોય. તે ઉપરાંત ત્રણ, ચાર, પાંચ, નવ, દશ, અગીયાર પણ હોય. તે કેવી રીતે હોય છે તે ઓશનિયુક્તિથી જાણી લેવું.
સ્થવિરકલ્પિકોને ઉપરની બાર ઉપરાંત (૧) ચોલપટ્ટો અને (૨) માત્રક (નાનું પાત્ર) મળી ચૌદ પ્રકારની ઉપધિ હોય. ' '
સાધ્વીઓની ૨૫ પ્રકારની ઉપધિ નીચે પ્રમાણે જાણવી. વિરકલ્પિક સાધુને કહેલી ચૌદ પ્રકારની ઉપધિમાંથી ચોલપટ્ટી બાદ કરીને એક કમઢક ગણતાં ચૌદ પ્રકારની થાય છે. કમઢક એટલે લેપ કરેલું (રંગેલું) તુંબડાનું (કાંસાની મોટી કથરોટના) આકારનું સ્વ-સ્વ ઉદર (આહાર) પ્રમાણ ભાજન સમજવું. સાધુની જેમ સાધ્વીને માંડલીગત નંદી પાત્ર ન હોવાથી દરેકનું જુદું જુદું કમઢક હોય છે કારણ કે સ્ત્રીઓમાં સ્વભાવથી પ્રાય: તુચ્છતા હોવાના કારણે ભેગા વાપરવામાં કલહ આદિનો સંભવ છે. ઉપર કહેલી ચૌદ ઉપરાંત નીચે પ્રમાણે ૧૧ પ્રકારે ઉપધિ વધારે હોય છે.
(૧) અવગ્રહાનત્તક : નાવના આકારે મધ્યમાં પહોળું અને બે છેડે સાંકડનું ગુહ્ય પ્રદેશની (બ્રહ્મચર્યની) રક્ષા માટે લંગોટીના આકારનું સમજવું. સંખ્યાથી એક જ હોય અને પ્રમાણથી સ્વ-સ્વના શરીર અનુસારે લાંબુ-પહોળું સમજવું. ઋતુધર્મ વખતે રૂધિરથી રક્ષા માટે તે જાડા અને સુંવાળા વસ્ત્રનું બનાવેલું હોય છે.
(૨) પટ્ટો : કટિપ્રદેશે અવગ્રહાનત્તક વસ્ત્રના બે છેડા દબાવીને બાંધવાનો પટ્ટો. તે સંખ્યાથી એક અને પ્રમાણથી ચાર અંગુલ કે તેથી પણ વધારે પહોળો, લંબાઈમાં કટિએ બંધાય તેટલો.