Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૪૫
અમુક સંખ્યા જેટલા ઘરોમાંથી જે ભિક્ષા મળશે તે જ લઈશ” તે ક્ષેત્ર અભિગ્રહ. (૩) ભિક્ષાનો સમય વ્યતીત થયા પછી કે સમય થયા પહેલાં જે મળશે તે જ લઈશ એવો કાળનો અભિગ્રહ. (૪) “ભાજનમાંથી પોતાના માટે ઉપાડેલો અથવા અમુક રીતે કે અમુક સ્થિતિમાં વહોરાવેલો, વગેરે મળશે તે જ આહાર લઈશ” આવો નિયમ તે ભાવાભિગ્રહ.
સત્ત્વશાળી મહાત્માઓ આવા અભિગ્રહો પાળીને કર્મમળનો ક્ષય કરી શુદ્ધ થાય છે. આ વિષયમાં વિશેષ પંચવસ્તુ ગ્રંથથી જાણી લેવું.
પિંડ(અનાદિ), શયા(મકાન), વસ્ત્ર, પાત્ર વગેરે જે જે “ઉદ્ગમ-ઉત્પાદન વગેરે સુડતાલીસ દોષોથી દૂષિત હોય તે જ્ઞાનાદિ ગુણોનો ઉપઘાત (નાશ) કરે છે. માટે આ ચારેય નિર્દોષ જ ગ્રહણ કરવા જોઈએ. તે દોષો નીચે પ્રમાણે છે.
ગૃહસ્થ પિંડને તૈયાર કરતાં જે દોષ સેવે તે “ઉદ્દગમ દોષો' કહેવાય. તે સોળ છે. પિંડ મેળવતી વખતે “ધાત્રીકર્મ' વગેરે સેવવારૂપ સોળ દોષ “ઉત્પાદન'ના સાધુના છે. અશનાદિ પિંડને લેતી વેળા શંકિત વગેરે દોષો ગૃહસ્થ અને સાધુ ઊભયથી થાય છે. તે દસ “એષણા' દોષો કહેવાય છે. ભોજન કરતી વખતે ગ્રામૈષણાના દોષો લાગે છે. તે પાંચ છે. આમ ત્રિવિધ એષણામાં ૪૭ દોષો સમજવા. અર્થાત્ અન્વેષણ કરવામાં, ગ્રહણ કરવામાં અને ભોજન કરવામાં એમ ત્રણ પ્રકારની એષણામાં ૪૭ દોષો લાગે છે.
હવે પંચવસ્તુ ગ્રંથના આધારે સોળ ઉદ્ગમદોષો કહેવાય છે. (૧) "આધાકર્મ : સાધુના માટે સચિત્તવસ્તુ અચિત્ત કરાય કે અચિત્તને પકાવાય તેને આધાકર્મ કહેવાય છે. ૧૧. આધાકર્મમાં હિંસા થાય છે. સાધુએ હિંસાનો ત્રિવિધ ત્યાગ કર્યો હોવાથી તે અકથ્ય છે.
ગૃહસ્થ સ્વયં સાધુ માટે બનાવ્યું હોય તો પણ સાધુ લે તો અનુમોદનાનું પાપ તો લાગે જ. સાધુએ કરાવીને લીધું હોય તો કરાવવાનું પાપ પણ લાગે. અનુમોદના ત્રણ પ્રકારની છે. (૧) અધિકાર હોવા છતાં પાપકર્મોનો નિષેધ નહિ કરવાથી અનિષેધ અનુમોદના લાગે. (૨) પાપથી તૈયાર કરેલી વસ્તુનો ઉપભોગ કરવાથી ઉપભોગ અનુમોદના લાગે. (૩) પાપ કરનારાઓની સાથે વસવાથી સહવાસ અનુમોદના લાગે. જેમ ચોરી નહિ કરનાર પણ ચોરીની વસ્તુ લેનાર ચોરને ઘરમાં રાખનાર અને ચોરની સાથે રહેનાર શિક્ષાને પાત્ર બને છે, તેમ ઉપરની બાબતમાં પણ જાણી લેવું. આ રીતે આગળના દોષો પણ ગૃહસ્થ સાધુની પ્રેરણા વિના સેવ્યા હોય છે, તો પણ તે દરેકમાં સાધુનો ઉદ્દેશ રાખેલો હોવાથી, એ લેવાથી સાધુને ઉપર પ્રમાણે અનુમોદનારૂપ દોષ લાગે છે અને સાધુએ તેમાં પ્રેરણા કરી હોય તો કરાવવાનો દોષ પણ લાગે. કોઈ પણ કાર્ય કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણે વ્યવહારથી સમાન છે. માટે તે, સાધુને લેવાનો નિષેધ છે.