Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
જેણે સંસારની નિર્ગુણતા.જાણી લીધી હોય, તેથી જ (ક) જે સંસારથી વિરાગી થયો હોય, (૭) કષાયો જેના મંદ પડેલા હોય, (૮) હાસ્ય વગેરે વિકારો જેના અલ્પમાત્ર હોય, (૯) કૃતજ્ઞ હોય, (૧૦) વિનીત હોય, (૧૧) રાજા-મંત્રી વગેરેને જે માન્ય હોય, (૧૨) અદ્રોહી હોય, (૧૩) સુંદર શરીરવાળો હોય, (૧૪) શ્રદ્ધાળુ હોય, (૧૫) સ્થિરતા ગુણવાળો હોય અને (૧૭) જે સમર્પણ ભાવથી સ્વયં દીક્ષા લેવા આવેલો હોય.
આવો (૧૬ ગુણોથી યુક્ત) સદ્ગણી ભવ્યાત્મા આ જૈનશાસનમાં દીક્ષા માટે યોગ્ય છે.
ટીકાનો સંક્ષેપ ભાવાર્થ ઃ આવા ૧૬ ગુણવાળો ભવ્યાત્મા પાપોથી મુક્ત થઈ પ્રકર્ષતયા શુદ્ધ ચારિત્રના યોગોમાં ગતિ કરવા (આગળ વધવા) માટે યોગ્ય બને છે.
દ્રવ્યદીક્ષા તો ચરક વગેરે મતવાળાઓમાં પણ હોય છે. પરંતુ ભાવદીક્ષા તો જૈનશાસનમાં ઉપર કહેલા ગુણવાળાને જ હોય છે.
પંચવસ્તુ ગ્રંથમાં ગાથા-૬માં આ જ વાત કરતાં કહ્યું છે કે. “આ દીક્ષા નામસ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે કહી છે. તેમાં દ્રવ્યદીક્ષા ચરક-પરિવ્રાજકબૌદ્ધ-ભૌતિક વગેરેમાં હોય છે અને ભાવથી તો શ્રીજિનશાસનમાં હોય છે. ભાવદીક્ષા તે આરંભ અને પરિગ્રહના ત્યાગ સ્વરૂપ સમજવી.” હવે ક્રમસર દીક્ષા માટે યોગ્ય આત્માના ૧૬ ગુણો વિષે વિચારીએ.
(૧) આર્યદેશમાં જન્મેલો હોય ? અહીં આર્યદેશો એટલે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ વગેરે ઉત્તમ પુરુષોની જન્મભૂમિવાળા દેશો. તે મગધદેશ વગેરે સાડા પચીશ દેશો પ્રવચન સારોદ્ધારમાં જણાવેલા છે.
આવશ્યક ચૂર્ણમાં તો આર્ય-અનાર્યદેશની વ્યવસ્થા જુદી રીતે જણાવી છે, જે કોઈ દેશમાં હકારાદિ નીતિઓ ચાલુ-રૂઢ હોય તે દેશો આર્ય અને બાકીના અનાર્ય સમજવા.' (૨) શુદ્ધ જાતિ અને કુળવાળો માતૃપક્ષને જાતિ કહેવાય છે. પિતૃપક્ષને કુળ
૧. આર્યદેશના આચારો પરંપરાએ જીવને જડની પરાધીનતામાંથી મુક્ત કરવા માટે શિક્ષણરૂપ
છે. તે આચારોને સમજીને પાળવાથી જીવ વિષય-કષાયોનો વિજેતા બની શકે છે. તીર્થકરો વગેરે વિશિષ્ટ પુરુષોના અવનિતલ ઉપર વિચરણથી ત્યાંની ભૂમિના પરમાણુઓ અને ત્યાંનું વાતાવરણ પણ આત્માને સન્માર્ગ પ્રેરક હોય છે.