Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
૭
શ્રમણ ધર્મ
પંચવસ્તુ ગ્રંથમાં ગાથા-૫૧માં પૂ. આ. ભ હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે... આઠ વર્ષથી નીચે (બીજાઓ દ્વારા) પરાભવ થવાનો સંભવ હોય છે અને પ્રાય: ચારિત્રના પરિણામનો પણ અભાવ હોય છે. ઉપરાંત નાની ઉંમરે દીક્ષા આપવાથી બાલદીક્ષિત અજ્ઞાનથી ગમે ત્યાં ફર્યા કરે તો સંયમની વિરાધનાનો સંભવ હોવાથી તથા ‘આવા નાના બાળકને બલાત્કારે દીક્ષારૂપી જેલમાં કેદ કરી નાંખ્યો' આવી લોકનિંદાનો સંભવ હોવાથી બાલ, દીક્ષા માટે અયોગ્ય છે.
છ મહિનાની ઉંમરવાળા શ્રી વજસ્વામી છકાયમાં યતનાવાળા હતા' તે કદાચિત (કોઈવાર બનનારો) પ્રસંગ છે. તેથી ઉપરોક્ત વાતમાં કોઈ વિરોધ નથી.
(૨) વૃદ્ધ : સીત્તેર વર્ષની ઉંમરવાળો વૃદ્ધ (સંયમના યોગોને વ્યવસ્થિત નિર્વાહ કરી શકતો ન હોવાથી દીક્ષા માટે) અયોગ્ય છે. સીત્તેર વર્ષની ઉંમર પૂર્વે પણ ઇન્દ્રિયોની હાનિ થઈ હોય તો, તે દીક્ષા માટે અયોગ્ય છે. આ વયનું પ્રમાણ સો વર્ષની આયુષ્યની અપેક્ષાએ જાણવું..
(૩) નપુંસક : સ્ત્રી અને પુરુષ ઉભયને ભોગવવાની અભિલાષાવાળો પુરુષાકૃતિ મનુષ્ય નપુંસક જાણવો. તે ઘણાં દોષોનું કારણ હોવાથી દીક્ષા માટે અયોગ્ય કહ્યો છે.
(૪) ક્લીબ : સ્ત્રીઓએ ભોગ માટે નિયંત્રણ કરવાથી અથવા વસ્ત્ર વિનાની સ્ત્રીનાં અંગોપાંગ જોવાથી, કે સ્ત્રીના કોમળ શબ્દો વગેરે સાંભળવાથી પ્રગટેલી ભોગની ઇચ્છાને રોકવા જે સમર્થ ન હોય તેવો પુરુષાકૃતિ મનુષ્ય ક્લીબ કહેવાય છે. પુરુષવેદના તીવ્ર ઉદય વેળાએ ભોગેચ્છાના કારણે સ્ત્રી ઉપર બલાત્કારાદિનો સંભવ હોવાથી દીક્ષા માટે અયોગ્ય છે.
(૫) જડ : જડના ત્રણ પ્રકાર છે. (૧) ભાષાથી જડ, (૨) શરીરથી જડ, (૩) ક્રિયાજડ. એમા ભાષાજડ ત્રણ પ્રકા૨નો છે. (૭) જે પાણીમાં ડૂબેલાની જેમ બુડબુડ અવાજ કરતાં બોલે તે જડમૂક. () જીવા ખેંચાતી હોય તેમ બોલતાં વચ્ચે ખચકાય તે મન્મનમૂક (ણ) મુંગાપણાને લીધે બોકડાની જેમ અવ્યક્ત ઉચ્ચાર કરે તે એલમકમૂક. આ ત્રણ, જ્ઞાન ગ્રહણ કરવામાં અસમર્થ હોવાથી અયોગ્ય છે.
શરીરથી જડ માર્ગે ચાલવામાં, આહાર-પાણી લાવવા વગેરેમાં અસમર્થ હોવાથી અયોગ્ય છે. સમિતિ-ગુપ્તિ આદિને વારંવાર સમજાવવા છતાં અતિશય જડતાના કારણે સમજી શકે નહિં તે ક્રિયાજડ પણ અયોગ્ય છે.
૧. જે કાળે ઉત્કૃષ્ટ આયુષ્ય જેટલું હોય તેના દશ ભાગ કરવા,તેમાં જે ૮-૯-૧૦માં દશાંશમાં પહોંચ્યો હોય તે વૃદ્ધ .
.