Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
શ્રમણ ધર્મ
૧૭
ટીકાનો સંક્ષેપ ભાવાર્થ “ગુરુની=વડીલોની આજ્ઞા મેળવવી” વગેરે દીક્ષાનો વિધિ એક કર્તવ્યરૂપે છે.
માતા-પિતાદિ વડીલો પાસેથી કોઈપણ રીતે દીક્ષાની અનુજ્ઞા લેવી. તેઓ મોહના કારણે અનુજ્ઞા ન આપતાં હોય તો ઉપધા માયાનો આશરો પણ લેવો.
માયાનું આચરણ કેવી રીતે કરવું તેના માટે ધર્મબિંદુ ગ્રંથમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. ત્યાં કહ્યું છે કે.. દુષ્ટ સ્વપ્ન મને આવ્યા છે, મારું મરણ નજીક જણાય છે. આવું કથન કરવું કે જેથી અનુજ્ઞા મળી જાય.
વળી પ્રકૃતિ (સ્વભાવ) બદલી નાખવો, જેથી માતા-પિતાને લાગે કે આનું મૃત્યુ નજીક છે, તેથી પણ અનુજ્ઞા મળી જાય.
આ ઉપાયો કરવા છતાં ન માને તો નિમિત્તશાસ્ત્રોની વાતો સંભળાવવી કે “આવી અમુક ચેષ્ટાઓ થાય ત્યારે મરણ નજીકમાં થાય વગેરે તે વિપરીત ચેષ્ટાઓના ફળો જ્યોતિષીઓ દ્વારા જણાવવા કે જેથી વડીલોની અનુજ્ઞા મળી જાય. શંકા : આ રીતે માયા દ્વારા દીક્ષા સ્વીકારીને શું લાભ થાય ?
સમાધાનઃ ધર્મની સાધના માટે કરાતી માયા તે માયા નથી. કારણ કે એમાં કોઈને ઠગવાનો ઉદ્દેશ નથી. પરંતુ મોહાધીન જીવોને સમજાવવાનો શુભ ઉદ્દેશ હોવાથી કાલાંતરે સ્વ-પરના હિતમાં પરિણમે છે. આ જ વાતને ધર્મબિંદુ ટીકામાં કહી છે.
अमायोऽपि हि भावेन, माय्येव तु भवेत् क्वचित् ।
पश्येत् स्वपरयोर्यत्र, सानुबन्धं हितोदयम् ।।४-३१ टीका।। - હૃદયથી માયા વિનાનો હોવા છતાં પણ સ્વ-પરનું સાનુબંધ (ઉત્તરોત્તરપરંપરાએ) હિત થતું જુએ, ત્યારે કોઈ હિતાર્થી કોઈ વિષયમાં બહારથી માયા પણ કરે.
આમ શુભાશયથી હિત સાધવા સેવાતી માયા, માયા નથી. શંકા : ભલે શુભાશયને આશ્રયીને હિત સાધવા માયાનો આશરો લઈને વડીલોની અનુજ્ઞા મેળવી લે. પરંતુ માતા-પિતાના જીવન નિર્વાહ માટે શું ? અને તે કારણે અનુજ્ઞા ન મળતી હોય તો શું કરે ?
સમાધાન : પોતાની દીક્ષા પછી માતા-પિતા જીવનવ્યવહારમાં સીદાય નહીં માટે પોતે નાણાં આદિની વ્યવસ્થા કરે. અને એમ કરવાથી ઉપકારીના ઉપકારની કતજ્ઞતા (અને ભક્તિ) પણ કરી ગણાય. કે જે જૈનમાર્ગની પ્રભાવનાનું બીજ પણ છે. માટે એવો પ્રબંધ કરીને પણ તેઓની અનુમતિથી દીક્ષા અંગીકાર કરે.