Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
જ મનુષ્ય હાથમાં આવેલી આત્મસિદ્ધિની અણમોલ તક ક્ષણિક-માયાવી ભૌતિક વાસનાઓની પરાધીનતામાં ગુમાવી દેવી જોઈએ નહિ. એ યાદ રાખવું જોઈએ કે ચારિત્ર વિના આત્માની મુક્તિ નથી અને મુક્તિ વિના સાચું સુખ નથી. આદર્શ સંસ્કાર જીવન
નિરપેક્ષ યતિધર્મ સાપેક્ષ યતિધર્મની સાધના વિના સિદ્ધ થઈ શકતો નથી, એ સત્યને નજરમાં રાખીને ગ્રંથકાર મહર્ષિએ આ ગ્રંથનો ઘણો જ મોટો ભાગ, સાપેક્ષ યતિધર્મનું વર્ણન કરવામાં રોક્યો છે અને તેને પ્રામાણિક અનેક પ્રાચીન શાસ્ત્ર પાઠો આપીને ઘણો જ સદ્ધર બનાવ્યો છે. એને વાંચતાં જ સમજાય છે કે જૈન સાધુધર્મ એટલે તથાવિધ યોગ્યતાને પામેલા આત્માનો કર્મજન્ય જન્મ-મરણાદિ કષ્ટોનો નાશ કરવાનો સફળ પ્રયત્ન. તેમાં ભોગ નથી ત્યાગ છે, રાગ નથી વિરાગ, છે, આરામ નથી આકરાં કષ્ટોનું સમભાવે વેદન છે. ઈત્યાદિ અનેક વિશેષતાઓથી અન્ય ત્યાગી-વૈરાગીની અપેક્ષાએ જૈનશ્રમણોની સાધુતા વિશિષ્ટ ચીજ છે આ ગ્રંથમાં જૈન સાધુ જીવનના સથારીવર્મા સમા ત્યાગ-વૈરાગ્યથી ભરપૂર આહારવિહાર-સ્વાધ્યાય-સામાચારી-કષાયનિગ્રહ-ઇન્દ્રિયજય-અહિંસાદિ સંયમ વ્યાપારલોકાનુગ્રહ-ગુરુ પરતંત્ર વગેરેનું પાલન કરવાના નિયમોનો તેમ જ તે માટેની જરૂરી માનેલી ગુરુ-શિષ્યની યોગ્યતા વગેરેનો જેમ જેમ અભ્યાસ કરીએ તેમ તેમ સાક્ષાત્ દેખાઈ આવે છે કે જૈનસાધુ જીવન એટલે કેવળ કર્મમુક્તિ કિવા દુ:ખમુક્તિને ખાતર જીવાતું આદર્શ સંસ્કાર જીવન છે, એમાં અદ્ભુત આત્મ સમર્પણ છે, અનોખું આત્મ વિગોપન છે, અલૌકિક પરાક્રમ છે. એમાં પૂર્વ જન્મના સંસ્કારોનું દિવ્ય દર્શન છે અને સર્વ ઉપાધિ રહિત સ્વર્ગીય સુખ છે. . દીક્ષા કોણ લઈ શકે?
આ સાધુ જીવન એમને એમ સ્વીકારાતું નથી, એ માટે પ્રથમ સંસાર ત્યાગની દીક્ષા લેવી પડે છે, એ દીક્ષા માટે કોણ યોગ્ય, કોણ અયોગ્ય, કોણ આપી શકે, કોણ ન આપી શકે, કેવી રીતે આપવી, ક્યાં આપવી, ક્યારે આપવી, અજાણ્યાની પરીક્ષા કરવી, વગેરે વિધિ આ ગ્રંથના પ્રારંભથી જ સારી રીતે ચર્ચવામાં આવ્યો છે. દીક્ષા લેનારની સોળ પ્રકારની યોગ્યતા અહીં બતાવવામાં આવી છે, તેમાં પહેલી યોગ્યતા આર્યદેશોત્પક્ષપણાની જણાવીને દીક્ષામાં ઉચ્ચકુળ-જાતિને મહત્ત્વ આપવામાં આવ્યું છે, આથી કુલ-જાતિનો સંકરભાવ અયોગ્ય છે તે પાઠકોને સ્વયં સમજી શકાય છે. પૃ. ૩ માં પ્રવચનસારોદ્વારનો પાઠ આપીને સાડા પચીસ આર્યદેશો બતાવ્યા છે, તે ઉત્તમ પુરુષોના જન્મની અપેક્ષાએ શાસ્ત્રકારે કહેલા છે.