Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
સુધી મહત્વ આપ્યું છે કે પ્રતિલેખનાદિ અન્ય કાર્યો કરતાં બચે તેટલો અધિક સમય બચાવીને અધ્યયનમાં ગાળવો. એમ છતાં શાસ્ત્રાધ્યયનના ઉદ્દેશથી અન્ય કાર્યો પ્રત્યે લેશ પણ અનાદર ન થાય તેમ કરવા પણ ભારપૂર્વક જણાવ્યું છે. હા, તથાવિધ વિશિષ્ટ શક્તિવંત આત્માને ભણવાની અધિક સગવડ આપવાની વ્યવસ્થા છે. અર્થાત્ જે કાર્યો વૈયાવચ્ચકારી આદિ બીજાઓથ શક્ય હોય તે તેઓ કરીને પણ ભણનારને અધિક સગવડ આપે એવું વિધાન છે. એમ કરવાથી તેઓ પણ શાસ્ત્રના આરાધક બને છે. ભણનારાઓ પૈકી પણ પરિશ્રમસાધ્ય તર્કશાસ્ત્રનું અધ્યયન કરનારને અમુક વિશેષ સગવડો આપી છે. એમ અન્ય કર્તવ્યોની અપેક્ષાએ શાસ્ત્રાધ્યયનનું મહત્વ જણાવવા છતાં સૌ કોઈને ભણાવાના અધિકારી માન્યા નથી. જ્ઞાનને પચાવવાની અને તેનાથી સ્વ-પર હિત કરવાની નિર્મળ શક્તિરૂપ વૈરાગ્યાદિ ભાવો જેનામાં પ્રગટ્યા હોય તેને જ શાસ્ત્રાધ્યયનમાં અધિકારી માન્યો છે.
જ્ઞાન મેળવવું કે તપ વગેરે ક્રિયાઓ કરવી જેટલી દુષ્કર નથી, તેથી અધિક દુષ્કર તેનાથી સ્વ-પર હિત કરવું તે છે. માટે જ અમુક વર્ષોના દીક્ષાપાલન પછી શાસ્ત્રોક્ત યોગોદ્ધહનાદિ અનુષ્ઠાન પૂર્વક તે તે શાસ્ત્રોને ભણવાનું વિધાન કર્યું છે. દીક્ષાપર્યાય વધે તેમ તેમ પંચાચારના પાલનથી યોગ્યતા વધે અને યોગોહનાદિથી આત્મશુદ્ધિ કરે તેને ગુરઆજ્ઞાથી તે તે શાસ્ત્રોને ભણવાનો અધિકારી કહ્યો છે. ગમે તે શાસ્ત્રને સ્વેચ્છાએ સૌ ભણી શકે નહિ. યોગ્ય બન્યા પછી પણ ગુરુ આદિના વિનયપૂર્વક ભણવાથી શાસ્ત્રો ઉપકારક બને છે.
"જ્ઞાનનું મૂળ વિનય છે. એમ કહેવાનું કારણ એ છે કે જ્ઞાન-જ્ઞાની આદિનો વિનય કરવાથી જ્ઞાનાવરણીય અને મોહનીય આદિ વિહ્નભૂતિ કર્મોની નિર્જરા સાથે શુભ કર્મોનો બંધ થાય છે. વિદ્ધભૂત જ્ઞાનાવરણીયાદિની નિર્જરાથી આત્માનો જ્ઞાન ગુણ પ્રગટે છે, તેને જ તત્વથી જ્ઞાનપ્રાપ્તિ કહેવાય છે. સાથે મોહનીયની મંદતા થવાથી તેને આત્મોપકારક બનાવી શકાય છે. ઉપરાંત શુભ પુણ્યના બળે શરીરાદિ બાહ્ય જીવન સામગ્રી પણ એવી પવિત્ર મળે છે કે તેનાથી જ્ઞાનનો દુરુપયોગ થતો નથી. કહ્યું છે કે અવિનયથી મેળવેલું જ્ઞાન અજ્ઞાનરૂપે આત્માનું અહિત કરે છે અને વિનયના બળે પ્રગટેલું જ્ઞાન ચોક્કસ લાભો કરે છે. માટે જ અવિનીત કે અયોગ્યને મુંડવાથી, ભણાવવાથી, કે તેની સાથે વસવા વગેરેથી ગુરુના પણ ચારિત્રનો ઘાત થાય છે એમ અયોગ્યને શાસ્ત્રો ભણાવવાથી સ્વ-પર અહિત થાય છે.