Book Title: Shraman Dharm Dharmsangraha Saroddhar Part 02
Author(s): Manvijay, Lavanyavijay, Yashovijay, Bhadrankarsuri, Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
42
વિવેચન સહિત આવું અર્થનું વર્ણન અન્ય ગ્રંથોમાં ઓછું જોવા મળે છે. જૈન દર્શનમાં આરાધનાની સાથે વિરાધાનાથી બચવાનું લક્ષ્ય પણ મુખ્ય છે. માટે નાની પણ ભૂલ થતાં તેના પાપને ટાળવા માટે તુરત ‘મિચ્છા મિ દુક્કડં’ દેવાનું અને સવાર-સાંજ પ્રતિક્રમણ કરવાનું અવશ્ય વિધાન છે. આરોગ્ય ભલે મોડું થાય, રોગ વધવો જોઈએ નહિ. તે ન્યાયે ‘નાની મોટી કોઈ પણ બાબતમાં ભૂલ થવા દેવી નહિ અને થાય તો તુર્ત શુદ્ધિ કરી લેવી.' એ હેતુથી કરાતા પ્રતિક્રમણનું મહત્વ અન્ય સર્વ અનુષ્ઠાનોથી અધિક છે. એમ કહી શકાય કે શેષ સર્વ અનુષ્ઠાનો પ્રતિક્રમણ માટે છે, પ્રતિક્રમણ વિના તે નિષ્ફળ છે. માટે જ યાવજ્જીવ ઉભયકાળ કરાતા પ્રતિક્રમણને આવશ્યક કહેવાય છે.
તે પછી રાત્રિકર્તવ્ય તરીકે સ્વાધ્યાય, શયનનો વિધિ, રાત્રે જાગ્યા પછી બહાર નીકળતાં ચોરાદિનો ઉપદ્રવોથી બચવાના ઉપાયો, કોણે કેટલી નિદ્રા કરવી ? ક્યારે જાગવું ? જાગવાનો વિધિ, જાગતાં તુરત પરમેષ્ઠિ નમસ્કારનું વિધાન, ઉપરાંત કામવાસનાને રોકવા માટેનું ધ્યાન, વિશિષ્ટ મનોરથોથી આત્માને ઉત્સાહિત કેમ કરવો ? વગેરે અનેક બાબતો માતા પુત્રને શીખવાડે તેમ હેતુપૂર્વક ગુણ-દોષના વર્ણન સાથે કહી છે. એ રીતે ઓઘસામાચારીમાં અહોરાત્રનાં સંપૂર્ણ કર્તવ્યોનું વર્ણન વિસ્તારથી કર્યું છે.
તે પછી દશધા સામાચારીમાં ગુરુથી માંડીને નાનામાં નાના સાધુ સાથે યથોયોગ્ય પૂજ્યભાવ અને વાત્સલ્ય વધે તે રીતે ભોજન, પરસ્પરનાં કાર્યો, ભૂલની શુદ્ધિ, આજ્ઞા, તેનો સ્વીકાર, જવું-આવવું, વગેરે સર્વ વ્યવહારો કરતાં કોઈની ઈચ્છા ઉપર આક્રમણ ન થાય તેવો વિધિ જણાવ્યો છે. એના પાલનથી ઇચ્છાનો રોધ, વિનય, વૈયાવચ્ચ, પરસ્પર પ્રીતિ, પૂજ્યભાવ, કૃતજ્ઞતા, વાત્સલ્ય, વગેરે ગુણો વધતા જાય અને સંયુક્ત ધર્મકુટુંબ તરીકે જાડાએલા દરેક આત્માઓ એ સંસ્કારથી અન્ય જન્મોમાં પણ એક સાથે ઉપજે-જોડાય, ત્યાં પણ નિષ્કામ
પ્રીતિ અને ભક્તિથી પરસ્પર આરાધનામાં સહાયક બની અંતે એ જોડાયેલા સંબંધને મોક્ષમાં શાશ્વતો બનાવી શકે એવો સુંદર જીવનવ્યવહાર બતાવ્યો છે. જ્ઞાનાદિ ગુણોની વિશિષ્ટ સાધના માટે પણ અન્ય ગચ્છનો આશ્રય લેવારૂપ ઉપસંપદા, તેના પ્રકારો, વિધિ અને તેમાં વ્યવહારશુદ્ધિ સચવાય તેવું પરસ્પરનું કર્તવ્ય, વગેરે અનેક બાબતો જણાવી છે.
તે પછી ઉપસ્થાપના (મહાવ્રતોનું અને તેને પાલન કરવાનું જ્ઞાન વગેરે