Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪ થું]
મૌર્યકાલ
જણાવ્યું છે. કુનાલ પ્રાયઃ “સુયશસ” નામે પણ ઓળખતે એવું કેટલાંક પુરાણે પરથી જણાય છે.૩૪ બૌદ્ધ પરંપરામાં વળી એને “ધર્મવિવર્ધન” નામે ઓળખાવે છે.૩૫ આ પરથી કુનાલ પણ એના પિતા અશોકની જેમ બૌદ્ધ ધર્મને પ્રોત્સાહન આપતા હોવાનું માલુમ પડે છે. એના રાજ્યકાલ (લગભગ ઈ. પૂ. ૨૩૭-૨૨૯) દરમ્યાન મગધના મૌર્ય સામ્રાજ્યની સત્તા દૂરના પ્રાંતમાં શિથિલ થઈ હોવાનું જણાય છે. કુનાલના પુત્ર સંપ્રતિએ સૌરાષ્ટ્ર પ્રદેશ, આંધ્ર દેશ અને દ્રવિડ દેશ સર કર્યા એવો ઉલ્લેખ નિશીથચૂર્ણિમાં આવે છે.૩૬ સંપ્રતિએ આ પરાક્રમ પતે ઉજયિનીમાં યુવરાજ હતો ત્યારે કરેલું એવું મુનિ શ્રી કલ્યાણવિજયજી ધારે છે.૩૭ કુનાલનું રાજ્ય પૂરું થતાં મગધ સામ્રાજ્યના બે કે ત્રણ ભાગ પડી ગયા લાગે છે.૩૮
પશ્ચિમ ભારતના પ્રદેશ પર કુનાલના પુત્ર સંપ્રતિની સત્તા પ્રવર્તી. એની રાજધાની પ્રાયઃ ઉજયિનીમાં હતી, જ્યાં એણે અગાઉ યુવરાજ તરીકે શાસન કરેલું.૩૯ સંપ્રતિએ નવ વર્ષ (લગભગ ઈ.પૂ. ૨૨૯-૨૨૦) રાજ્ય કર્યું. આ રાજા જૈન ધર્મના પ્રભાવક તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતનાં જૈન તીર્થધામમાં કેટલાંક પ્રાચીન જિનાલય સંપ્રતિએ બંધાવ્યાં હોવાનું મનાય છે. ૪૦ બૌદ્ધ ધર્મના અભ્યદયમાં જે સ્થાન અશકનું છે તે સ્થાન જૈન ધર્મના અભ્યદયમાં સંપ્રતિનું ગણાય છે.૪૧
પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં, જૈન ધર્મને હવે જે નોંધપાત્ર પ્રસાર થયો જણાય છે તેમાં રાજા પ્રતિનો વિશિષ્ટ ફાળો રહેલો હોવા સંભવ છે.૪૨ આ બધા ઉલ્લેખો પરથી પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને માળવા અને પ્રાયઃ ગુજરાત પર, સંપ્રતિ દ્વારા મોર્ય શાસન ચાલુ રહ્યું હોવા સંભવ છે.
પુરાણોમાં સંપ્રતિ પછી શાલિશુક ગાદીએ આવ્યો હોવાનું જણાવ્યું છે.* ગાગ સંહિતામાં એ ધર્મવાદી (છતાં પોતે) અધાર્મિક હોવાનું જણાવ્યું છે.૪૪ એણે ૧૩ વર્ષ (લગભગ ઈ.પૂ. ૨૨૦-૨૭) રાજ્ય કર્યું. એના ગુજરાત પરના શાસન વિશે તેમજ એના વંશજો વિશે કંઈ ચેકસ માહિતી ઉપલબ્ધ નથી.
મૌર્ય રાજાઓએ કુલ ૧૩૭ વર્ષ રાજ્ય કર્યું એ બાબતમાં સર્વ પુરાણો એકમત છે.૪પ મૌર્ય વંશની સ્થાપના ઈ.પૂ. ૩૨૨ ના અરસામાં થઈ હોઈ એને અંત ઈ.પૂ. ૧૮૫ ના સુમારમાં આવ્યો ગણાય, પરંતુ ગુજરાતમાં મગધના એ રાજવંશની સત્તા છેવટ સુધી રહી હતી કે ત્યાં બીજા કોઈ રાજવંશની સત્તા પ્રવર્તતી હતી એ બાબતમાં કંઈ માહિતી ઉપલબ્ધ નથી.૪૬