Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૪૭
૭૧
સંબંધ સ્થાપી શકાય તેમ નથી. વળી, વ્યાપ્તિની યથાર્થતા માટે પણ અનુમાન ઉપર જ આધાર રાખવો પડે છે. અનુમાન માટે વ્યાપ્તિ ઉપર અને વ્યાપ્તિ માટે પાછો અનુમાન ઉપર આધાર રાખવા જતાં અન્યોન્યાશ્રય દોષ આવે છે, માટે અનુમાન પ્રમાણ અયોગ્ય કરે છે અને તેથી તે સ્વીકાર્ય નથી. અહીં કોઈ એમ શંકા ઉઠાવે કે ધુમાડો અને અગ્નિ એ બે વચ્ચે જે વ્યાપ્તિ સંબંધ છે તે તો કાર્ય-કારણનો સંબંધ છે અને તેથી તેને નકારી શકાય નહીં, તો તેના પ્રત્યુત્તરમાં ચાર્વાકમતવાદીઓ કહે છે કે કાર્ય-કારણ સંબંધ સ્થાપવો એ પણ વ્યાપ્તિ જ છે, માટે તે સ્વીકાર્ય નથી. કદાચ, કોઈ વાર ‘કાગનું બેસવું અને ડાળનું પડવું એ ન્યાયે કોઈ અનુમાન સાચું પણ પડી જાય, પરંતુ ઘણું ખરું તો તે ખોટું જ હોય છે, તેથી અનુમાનને પ્રમાણ માની શકાય નહીં. પ્રત્યક્ષને જ પ્રમાણ માનવું જોઈએ.
કોઈ એમ દલીલ કરે કે આપ્તજનોનાં વાક્યોમાં તો વિશ્વાસ કરવો જ જોઈએને? તો તેના જવાબમાં ચાર્વાકમતવાદીઓ કહે છે કે આપ્તજનનાં બધાં વાક્યો કાંઈ પ્રત્યક્ષ તેમજ અનુભવજન્ય જ્ઞાન ઉપર આધાર રાખતાં હોતાં નથી, માટે તે સ્વીકાર્ય નથી. શબ્દ(આગમ)પ્રમાણ પણ અનુમાન ઉપર આધાર રાખતું હોવાથી સંદિગ્ધ છે, માટે તે અગ્રાહ્ય છે. ચાર્વાકમતવાદીઓને વેદવાક્યમાં વિશ્વાસ નથી. વેદ વગેરે ગ્રંથો તેમના મત પ્રમાણે સ્વાર્થલોલુપી, પાખંડી ધર્મગુરુઓએ ચલાવેલું ધતિંગ છે, તેથી તેને અનુસરવાની જરૂર નથી. આમ, ચાર્વાકમત અનુસાર આગમને પ્રમાણ માનવું બરાબર નથી.
આ પ્રમાણે પ્રત્યક્ષ સિવાયના અનુમાન, શબ્દ આદિ અન્ય પ્રમાણો અપર્યાપ્ત માની તેનું ચાર્વાકમતવાદીઓએ ખંડન કરેલ છે. અનુમાન અને શબ્દપ્રમાણ ઉપરાંત ઉપમાન વગેરે પ્રમાણોનું સ્વતંત્રરૂપે ખંડન કરવું તેમને જરૂરી નથી લાગ્યું, કારણ કે તેમના મત મુજબ ઉપમાન, અર્થાપત્તિ તથા અનુપલબ્ધિ આદિ સર્વ પ્રમાણો અનુમાનપ્રમાણનાં જ અંગો છે; તેથી અનુમાન પ્રમાણનું ખંડન કર્યા પછી અન્ય કોઈ પ્રમાણના ખંડનનો પ્રશ્ન જ રહેતો નથી.
આમ, ચાર્વાકમત અનુસાર પ્રત્યક્ષ જ એકમાત્ર પ્રમાણ છે. પ્રત્યક્ષ સિવાયના અનુમાન આદિ પ્રમાણોના આધારે કોઈ પણ વસ્તુનું સંશયાત્મક જ્ઞાન પ્રાપ્ત થાય છે. સંશયરહિત જ્ઞાનનો આધાર તો માત્ર પ્રત્યક્ષ જ છે. પ્રત્યક્ષ દ્વારા પ્રાપ્ત જ્ઞાન હંમેશાં યથાર્થ, અસંદિગ્ધ તેમજ નિશ્ચિત હોય છે. પ્રત્યક્ષપ્રમાણ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન વાસ્તવિક તેમજ સંશયરહિત હોય છે, માટે તે સ્વીકાર્ય છે. અનુમાન આદિ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન સ્વીકાર્ય નથી. સત્ય અને વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રત્યક્ષ સિવાય કોઈ પણ પ્રમાણે તેને સ્વીકાર્ય નથી.
ચાર્વાકમત આંખ, કાન, નાક વગેરે ઇન્દ્રિયો વડે ગૃહીત વિષયને જ સર્વથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org