Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
७४८
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ઈશ્વર જીવનાં કર્માનુસાર સુખ-દુ:ખ આપતો હોય તો પછી કર્મને સ્વતંત્ર કારણ માનવા ઘટે છે. બીજાની સત્તાની આવશ્યકતા જ નથી. જો કર્મ સ્વીકારવાનાં જ હોય તો સંપૂર્ણપણે કર્મસત્તાને જ માનવા યોગ્ય છે, એટલે કે સુખ-દુઃખનું કારણ કર્મ છે, ઈશ્વર નહીં. કર્મ સ્વયં ફળ આપી શકે તેમ છે.
આ તથ્યના સમર્થનમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં એક શ્લોક મળે છે કે જગતમાં સકળ શુભ અને અશુભ કર્મ ઈશ્વરથી પ્રેરાઈને જ સુખ અને દુઃખને આપે છે, કારણ કે કર્મ અચેતન છે; તેથી તે ચેતનથી પ્રેરાઈને જ કાર્ય કરે છે, માટે ઈશ્વરને કર્તા તરીકે માનવા જોઈએ. આચાર્યશ્રી કહે છે કે આ અભિપ્રાય વ્યાજબી નથી, કારણ કે આમ સ્વીકારતાં બે વિકલ્પ સંભવે છે – (૧) કર્મ સ્વયં ફળ આપવામાં શું અસમર્થ છે? (૨) શું કર્મ ફળ આપવામાં સમર્થ છે?
જો કર્મ અસમર્થ છે એમ માનવામાં આવે તો ઈશ્વરની પ્રેરણા દ્વારા શુભ કર્મથી અશુભ ફળ અને અશુભ કર્મથી શુભ ફળ શા માટે પ્રાપ્ત ન થાય? અર્થાત્ થાય. અથવા જે કર્મથી જેને ઈશ્વર સ્વર્ગમાં લઈ જવા ઇચ્છે છે, તેને તે કર્મથી સ્વર્ગમાં લઈ જાય છે અને જેને જે કર્મથી નરકમાં લઈ જવા ઇચ્છે છે તેને તે કર્મથી નરકમાં લઈ જાય છે. આમ, ઈશ્વરને એક પ્રત્યે રાગ અને બીજા પ્રત્યે દ્વેષ થવાથી ઈશ્વરની વીતરાગતા નષ્ટ થાય છે.
જો એમ કહેવામાં આવે કે કર્મ પોતે જ ફળ આપવા માટે સમર્થ છે, તો પછી ઈશ્વરની પ્રેરણા સિવાય પણ શુભાશુભ ફળ મળી જશે. તેથી ઈશ્વરના કર્તુત્વની જરૂર રહેતી નથી અને ‘સર્વ અચેતન ચેતનથી પ્રેરાઈને જ કાર્ય કરે છે એ વાત પણ યથાર્થ નથી.'
રાગ-દ્વેષથી મુક્ત હોય એવા ઈશ્વરને વ્યવસ્થાપક તરીકે માનવામાં આવે, ઈશ્વર જડ અને જીવની બરાબર દેખરેખ રાખે અને બધાને ફળની વહેંચણી કરી આપે એમ માનવામાં આવે તો આ બાબતમાં મોટો વિરોધ આવે છે, કારણ કે જો ઈશ્વર જગતના જીવોનાં શુભ-અશુભ કાર્યોનો હિસાબ રાખે તો તેની સ્થિતિ કોઈ પેઢીના મુનીમ જેવી થાય. વળી, ખરાબ કર્મ જીવે કર્યા છે, તો ઈશ્વરે તેને ખરાબ ફળ આપવા માટે તેની પાસે ખોટી પાપપ્રવૃત્તિ કરાવવાની શું જરૂર છે? આમ માનવામાં તો ઈશ્વર પાપ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૨૦૦
'फलं ददाति चेत् सर्वं, तत् तेनेह प्रचोदितम् । अफले पूर्वदोषः स्यात्, ले भक्तिमात्रता ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org