Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સત્કર્મો દ્વારા આત્મા દેવલોકમાં જાય છે અને અસત્કર્મો કરનાર આત્મા નારકલોકમાં જાય છે.
આમ, જીવનાં પરિણામ એટલે કે તેના ભાવો એ મુખ્યપણે ગતિ છે અને એ ભાવોના નિમિત્તે જે કર્મરજકણ બંધાય છે, એનો ઉદય આવતાં જીવ એ ભાવોનાં ફળ ભોગવવાનાં વિશિષ્ટ સ્થાનકોમાં જાય છે. વળી, તે ભોગવવા યોગ્ય કર્મવિશેષનાં સ્થાનકોનું - સ્વર્ગ, નરકાદિ ક્ષેત્રોનું નિર્માણ કોઈ ઈશ્વરે કર્યું નથી. તે કોઈએ બનાવ્યાં નથી. તે સ્થાનોની રચનાનો કોઈ કર્તા નથી અને તેને કર્તાની જરૂર પણ નથી, કારણ કે તે સ્વયંસિદ્ધ છે. સુખ-દુ:ખ ઉત્પન્ન કરનારાં સ્વર્ગ-નરકાદિ સ્થાનો સ્વયંસિદ્ધ તથા શાશ્વત છે. લોકનું પરિણમન જ એ પ્રકારનું છે કે સુખ-દુઃખ ઉત્પન્ન કરનારાં આ સ્થાનોનું નિર્માણ આપમેળે થયેલું છે.
કેટલાકને એવો પ્રશ્ન થાય છે કે નરક ગતિ, નરકની ભૂમિઓ, ત્યાંનું ક્ષેત્ર, ત્યાં થતી વેદના, ત્યાં મળતી સજા વગેરે બધું કોણે બનાવ્યું હશે? ક્યારે બનાવ્યું હશે? શા માટે બનાવ્યું હશે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે ઈશ્વરે કે કોઈ એવી સત્તાએ આ ગતિ કે સ્થાનો બનાવ્યાં નથી. ઈશ્વરને જો બનાવનાર માનવામાં આવે તો અનેક દોષો આવે, કારણ કે નરક પૃથ્વીઓ, તીવ્ર વેદનાઓ આ બધું પરમ દયાળુ ઈશ્વર બનાવી ન શકે અને જો ઈશ્વર તે બનાવે તો ઈશ્વરને દયાળુ ન કહેવાય. તેને નિષ્ફર, કઠોર, ક્રૂર હૃદયવાળો માનવો પડે. વળી, ઈશ્વરને નરકમાં જ રહેવું પડે, કારણ કે રોજ નરકમાં કેટલા બધા જીવો આવીને જન્મે છે, તે દરેકને તેમનાં પાપની સજા આપવાની હોય છે. ઘણી નરકભૂમિઓ હોવાથી તથા ઘણા નારકી જીવો હોવાથી ઈશ્વરને તો બહુરૂપી થઈને રહેવું પડે અને જો ઈશ્વરને આવા સ્વરૂપમાં માનવામાં આવે તો નરકમાં જે પરમાધર્મીઓ છે તેમને ઈશ્વર માનવાનો વખત આવે. નરકના પરમાધર્મીઓ કે જેઓ અશુભ પાપકર્મની સજા છેદન-ભેદન આદિરૂપે આપે છે તેઓ ઈશ્વર ઠરે. માટે ઈશ્વરને નરક આદિના કર્તાના સ્વરૂપમાં માનવો યોગ્ય નથી. લોકમાં અનાદિ કાળથી શાશ્વત નરકભૂમિઓ છે. ત્યાંનું તંત્ર સ્વયં જ વ્યવસ્થિત ચાલે છે. કોઈ કર્તા, નિયંતા, સંચાલકની જરૂર જ નથી. તે જ પ્રમાણે દેવલોક પણ સ્વતઃસિદ્ધ છે, તેના કર્તાનિયામકની જરૂર નથી.
જગતના અસ્તિત્વનો કોઈ આરંભ નથી. જગતનો આરંભકાળ ન હોવાથી તે અનાદિ છે. લોક અનાદિ તેમજ અનંત છે. તેનું અસ્તિત્વ ત્રણે કાળ છે. શ્રી ભગવતી સૂત્ર'માં સ્પષ્ટ કહ્યું છે કે કાળની દૃષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે આ લોક ભૂતકાળમાં ન હતો એમ નથી, વર્તમાનકાળમાં નથી એમ પણ ન કહી શકાય, ભવિષ્ય કાળમાં આ લોક નહીં હોય એમ પણ ન કહી શકાય; અર્થાત્ હતો, છે અને રહેશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org