Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૮૬
૭૭૩
વસ્તુનો અનુભવ થાય છે. જો તેમ ન હોય તો માળા, ચંદન, સ્ત્રી, જલેબી આદિ પદાર્થના જ્ઞાનમાત્રથી જ તૃપ્તિ થવી જોઈએ! અને તેમ થવાથી તે તે વસ્તુની પ્રાપ્તિ માટેના સર્વ પ્રયત્નો નિષ્પ્રયોજન કહેવા પડશે.
ઈશ્વરનું સર્વવ્યાપીપણું સિદ્ધ કરવા માટે નૈયાયિકો એવો હેતુ આપે છે કે ‘ઈશ્વર સર્વવ્યાપી ન હોય અને નિયત દેશમાં રહેલો હોય તો અનિયત દેશમાં રહેલા ત્રણ જગતના પદાર્થોને યથાસ્વરૂપ બનાવી શકે નહીં.' આ પ્રતિપાદન વિષે પ્રશ્ન થાય છે કે ઈશ્વર મજૂર આદિની જેમ સાક્ષાત્ શરીરના વ્યાપારથી જગતની રચના કરે છે કે સંકલ્પ(ઇચ્છા)માત્રથી? જો એમ માનવામાં આવે કે જેમ કડિયો મકાન ચણવા માટે ચૂનો-પથ્થર વગેરે સામગ્રી એકઠી કરી મકાન ચણે છે, તેમ ઈશ્વર પણ જરૂરી સામગ્રી એકઠી કરીને સૃષ્ટિની રચના કરે છે; તો એ સામગ્રી જ્યાંથી લાવી તે ઠેકાણું કર્યું? કોઈ કડિયો મકાન બનાવતો હોય તો ઈંટ, ચૂનો, લાકડાં વગેરે સામગ્રી ભેગી કરે; મકાનનો નમૂનો તૈયા૨ ક૨ે અને ત્યારપછી મકાન બનાવે. જો ઈશ્વરે એ પ્રમાણે સૃષ્ટિ બનાવવાનું કાર્ય કર્યું હોય તો સૃષ્ટિ બનાવવાની સામગ્રી ઈશ્વરે ક્યાંથી ભેગી કરી? પૃથ્વી બનાવતાં પહેલાં માત્ર ઈશ્વરનું જ અસ્તિત્વ હતું તો આ સામગ્રી આવી ક્યાંથી? સૃષ્ટિનો નમૂનો શા પ્રમાણે બનાવ્યો? સૃષ્ટિ બનાવી તે પ્રથમની સૃષ્ટિઓ હતી તેના જેવી બનાવી કે સાવ નવી જ બનાવી? ક્યાં બેસીને ઈશ્વરે આ જગત રચ્યું? એક ઈશ્વરે જ આટલી બધી રચના બનાવી હોય તો તે આગળ-પાછળ બનાવી હશે કે પોતાના શરીરના ઘણા હસ્તાદિ કરીને બનાવી હશે? આ પ્રમાણે અનેક પ્રશ્નોની ઝડી વરસતી જશે અને તેનો કોઈ યથાર્થ ઉકેલ નૈયાયિકો આપી શકશે નહીં.
જો ઈશ્વરે સાક્ષાત્ શરીર વડે સૃષ્ટિનું નિર્માણ કર્યું હોય તો એક જ પૃથ્વી અથવા પર્વત આદિને જ બનાવવામાં ઘણો સમય લાગવાથી, બીજા પદાર્થોની રચના ઘણા સમયે પણ પૂરી કરી શકે નહીં. વર્તમાન જગતમાં દર મિનિટે કેટલાં બધાં બાળકો જન્મે છે, તો તે બધાંને બનાવવામાં ઈશ્વર કેવી રીતે પહોંચી વળે છે? અને જો એમ કહેવામાં આવે કે ઈશ્વર સંકલ્પમાત્રથી જ સૃષ્ટિની રચના કરે છે તો તો તે એક સ્થાનમાં રહીને પણ જગતને બનાવી શકે. આમ, ઈશ્વર સર્વવ્યાપી છે એ વાત ન્યાયયુક્ત નથી.
(૪) ઈશ્વર સ્વતંત્ર છે તેનું નિરસન ઈશ્વરની સ્વતંત્રતાના પ્રતિપાદન સંબંધી પ્રશ્ન થાય કે જો ઈશ્વર સ્વતંત્રપણે જગતની રચના કરતો હોય તો ઈશ્વર પરમ દયાળુ હોવા છતાં સુખી-દુઃખી જગતને શા માટે બનાવે? તે કેટલાક જીવોને સુખી અને કેટલાક જીવોને દુ:ખી શા માટે બનાવે? એકાંતે સુખથી પરિપૂર્ણ એવા જગતને શા માટે ન બનાવે? અર્થાત્ પરમ કરુણાવંત હોવાથી ઈશ્વરે તો એકાંત સુખી જગત બનાવવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org