Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૭૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઈશ્વરનું શરીર સમાઈ જાય, તો બીજા પદાર્થોને રહેવા માટે જગ્યા જ ન મળે. વળી, ઈશ્વરને શરીરની અપેક્ષાએ સર્વવ્યાપી માનવામાં આવે તો અશુચિ પદાર્થોમાં અને અંધકારથી વ્યાપ્ત એવા નરક આદિ સ્થાનોમાં પણ ઈશ્વર રહે છે એમ માનવું પડે, જે ઈશ્વરકર્તુત્વવાદીઓને ક્યારે પણ ગમશે નહીં; માટે ઈશ્વર શરીરની અપેક્ષાએ સર્વવ્યાપી ઠરતો નથી. જ્ઞાનની અપેક્ષાએ ઈશ્વર ત્રણે જગતમાં વ્યાપીને રહ્યો છે એમ માનવામાં ઉપર્યુક્ત દોષ આવતો નથી, પણ તેમ સ્વીકારતાં ઈશ્વરકર્તુત્વવાદીઓએ પ્રમાણરૂપે ગ્રહણ કરેલા વેદો સાથે વિરોધ આવે છે, કારણ કે વેદોમાં ઈશ્વરનાં સર્વ સ્થળે મુખ, સર્વતઃ હાથ, સર્વતઃ પગ ઇત્યાદિ શરીરની અપેક્ષાએ સર્વવ્યાપીપણું સિદ્ધ કરવામાં આવ્યું છે.
અહીં નૈયાયિકો જૈનોને કહે છે કે તમારા મતમાં પણ ભગવાન જિનેશ્વરદેવ જ્ઞાનસ્વરૂપે ત્રણે જગતમાં વ્યાપીને રહ્યા છે, તો તે પરમાત્માને પણ અશુચિ પદાર્થોના રસાસ્વાદનું જ્ઞાન અને નરક આદિનાં દુઃખનું વદન હોવાથી તેમને પણ સુખ-દુઃખનો અનુભવ થશે, માટે અનિષ્ટની આપત્તિ તો બન્નેને સમાન જ છે.
જૈનો આ આક્ષેપનો રદિયો આપતાં કહે છે કે ઈશ્વરના જ્ઞાનમાં સઘળા પદાર્થોને જાણવાની અચિંત્ય શક્તિ રહેલી છે, તેથી જ્ઞાનની અપેક્ષાએ ઈશ્વર સર્વવ્યાપી છે. જેમ કોઈ મનુષ્યની તીક્ષ્ણ બુદ્ધિને જોઈને કોઈ કહે કે “આ પુરુષની બુદ્ધિ સર્વ શાસ્ત્રોમાં પ્રસરેલી છે, તેમ ઈશ્વરનું અચિંત્ય જ્ઞાન ફક્ત એક જ સમયમાં સમસ્ત જગતને, હાથમાં રહેલા આમળાની જેમ જાણે છે, તેથી જ્ઞાન અપેક્ષાએ ઈશ્વર સર્વવ્યાપી છે. જૈન માન્યતા અનુસાર જિનેશ્વરદેવ જ્ઞાનસ્વરૂપે ત્રણે જગતમાં વ્યાપીને રહ્યા હોવા છતાં તે પરમાત્મા નથી અશુચિ પદાર્થોનો રસાસ્વાદ લેતા કે નથી તેમને નરક આદિનાં દુઃખનું વેદન થતું, કારણ કે જૈનો જ્ઞાનને અપ્રાપ્યકારી માને છે. તેમની માન્યતા અનુસાર જ્ઞાન પ્રાપ્યકારી નથી, અર્થાત્ પદાર્થ પાસે જઈને પદાર્થને નથી જાણતું પણ પોતામાં રહીને જ પદાર્થને જાણે છે; કેમ કે જ્ઞાન એ આત્માનો ધર્મ છે, તેથી તે આત્મદ્રવ્યને છોડીને કશે પણ બહાર જતું નથી. ધર્મનો ત્યાગ કરીને ધર્મ કોઈ બીજા સ્થળે જઈ શકતો નથી. જો જ્ઞાન ગુણ આત્મારૂપી ગુણીનો ત્યાગ કરી બહાર ચાલ્યો જાય તો ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્ય અચેતન બની જાય; પરંતુ આવું તો ત્રણે કાળમાં બને નહીં, તેથી જ્ઞાન આત્મામાં રહીને જ પદાર્થોને જાણે છે, શેય પદાર્થો પાસે જઈને નહીં. જ્ઞાન ગુણ આત્મામાં રહીને દૂર રહેલા પદાર્થોને પણ જાણી શકે છે. આત્મામાં રહેલા જ્ઞાનમાં તેવા પ્રકારની અચિંત્ય શક્તિ હોય છે. જેમ લોહચુંબકમાં રહેલી આકર્ષણશક્તિ તે ચુંબકમાં રહીને જ ભિન્ન ક્ષેત્રમાં રહેલા લોહને આકર્ષે છે, તેમ આત્મામાં રહેલી અચિંત્ય જ્ઞાનશક્તિ લોકના છેડે રહેલા પદાર્થોને પણ સમ્યક્ પ્રકારે જાણે છે. વળી, પદાર્થના જ્ઞાનમાત્રથી જ રસનો અનુભવ નથી થતો, પરંતુ તે તે વસ્તુની પ્રાપ્તિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org