Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૫૧
૧૩૫
છે. કોઈ કુહાડીનો ઉપયોગ જ ન કરે તો તે સ્વયં કાષ્ઠને કાપી શકતી નથી. એ જ પ્રમાણે આંખથી ધોળું -કાળું વગેરે રૂપ દેખાય છે, કાનથી ઝીણો-મોટો વગેરે અવાજ સંભળાય છે, નાકથી સારી-નરસી ગંધ પરખાય છે, જીભથી તીખો-મીઠો વગેરે સ્વાદ જણાય છે અને ચામડીથી શીત-ઉષ્ણ વગેરે સ્પર્શેનું જ્ઞાન થાય છે. સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને જાણવાનું કાર્ય કરે છે, પણ એકલી ઇન્દ્રિયો જ તે તે વિષયોને જાણી શકતી નથી. ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે, પણ ઇન્દ્રિયોને પ્રયોજનાર કોઈ ન હોય તો ઇન્દ્રિયોથી જ્ઞાન થાય નહીં. આત્મા ઇન્દ્રિયોને પ્રયોજનાર છે. જેમ કુહાડીને વાપરનારની જરૂર રહે છે, તેમ ઇન્દ્રિયોને ઉપયોગમાં લેનારની આવશ્યકતા રહે છે. ઇન્દ્રિયોને ઉપયોગમાં લેનાર જે છે તે આત્મા છે. જો ઇન્દ્રિયોમાં અન્ય કોઈ પણ પદાર્થની અપેક્ષા વગર જ્ઞાન કરવાની સ્વતંત્ર શક્તિ હોત તો જે પ્રમાણે જીવંત શરીરથી જ્ઞાન થાય છે, તે જ પ્રમાણે મૃત શરીરથી પણ થાત. મૃત શરીરમાં સર્વ ઇન્દ્રિયો હોવા છતાં જ્ઞાન થતું નથી, માટે જ્ઞાનમાં ઇન્દ્રિયો તો કેવળ નિમિત્તભૂત છે, જ્ઞાન કરનાર તો કોઈ અન્ય જ છે.
‘આંખ જુએ છે' એ કથન યથાર્થ નથી, પરંતુ ‘આંખ વડે જોઈએ છીએ' એ કથન યથાર્થ છે. આ બન્ને પ્રકારની વાક્યરચનામાં બીજું વાક્ય શુદ્ધ છે, સાચું છે. ‘વડે’ એ કરણ અર્થમાં તૃતીય વિભક્તિ છે. કરણ અર્થમાં તૃતીય વિભક્તિનો વાચક ‘વડે વાપરતાં કથન યથાર્થ બને છે; માટે એમ બોલવું યોગ્ય છે કે ‘આંખ વડે જોઈએ છીએ, કાન વડે સાંભળીએ છીએ, નાક વડે સુંઘીએ છીએ, જીભ વડે ચાખીએ છીએ, ચામડી વડે સ્પર્શીએ છીએ.’ આંખ વડે જોઈએ છીએ” એમ કહેતાં જ સાબિત થઈ જાય છે કે જોનાર જુદો છે અને જેના વડે જોઈએ છીએ તે આંખ તો સાધન માત્ર છે. જોનાર, સાંભળનાર, સૂંઘનાર, ચાખનાર, સ્પર્શ કરનાર કોઈ જુદો જ છે અને તે આત્મા છે. જોવા આદિ ક્રિયાઓનો કર્તા, ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા આત્મા છે. આત્માની ઉપસ્થિતિમાં જ ઇન્દ્રિયો કામ કરે છે.
જે શરીરરૂપી મકાનમાં રહીને ઇન્દ્રિયરૂપી બારીઓ દ્વારા પરપદાર્થોને જાણે છે, તે જાણનાર - જ્ઞાનધારક તત્ત્વ તે આત્મા છે. શરીરને એક મકાનની ઉપમા આપવામાં આવે તો આત્માને રહેવા માટેનું મકાન તે શરીર. શરીરરૂપી મકાનની બારીઓ તે જીવની ઇન્દ્રિયો, મકાનમાં જેમ બારી હોય છે, બારી એક કે એકથી વધુ પણ હોય છે; તે જ પ્રમાણે શરીરરૂપી મકાનમાં પણ એક થી પાંચ ઇન્દ્રિયોરૂપી બારીઓ છે. અંદર રહેલો આત્મા આ પાંચ ઇન્દ્રિયો વડે બહારના વિષયો જોવા-સાંભળવા આદિ ક્રિયાઓ કરે છે. જેમ મકાનની બારીમાંથી માણસ રસ્તા ઉપર જતા સરઘસને જોઈ શકે છે, તેમ આત્મા શરીરરૂપી મકાનમાં રહીને ઇન્દ્રિયોરૂપી બારીઓ વડે બહારનાં દશ્યો જુએ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org